પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
લીલુડી ધરતી
 

 એક તસુભારે ય નમતું જોખે ને ! ઢોક ઓઢવા ટાણે માળીપરબે પૂગ્યા તંયે તો માંડણિયો બચારો ધોડા કરી કરીને લોથ પથારી જેવો થઈ ગ્યો.’

‘થઈ જ જાય ને ! હડી કાઢીને ડુંગર ચડવો કાંઈ રમત વાત છે ?’

‘માળી પરબે આગોતરાં મોકલેલાં પંદર કોથળા નાળિયેર પૂગી ગ્યાં’તાં. સૌએ થોડીક વાર પોરો ખાધો. આપણા ટપુડા વાળંદે મારે બાવડે તેલ ઘસ્યું ને હાથપગનાં ટચાકિયાં ફોડ્યાં.’

‘આંયાંકણે ટપુડાની વવ રૂડકી તો વાંહેથી મુખીનાં આટલાં વાંકાં બોલતી’તી... કિયે કે મારા વરને મોફતની વેઠ્યે પકડી ગ્યા.’

‘એમ તો ટપુડો ય આખે ય મારગે ટેં ટેં કર્યા કરતો’તો. પણ મુખી એને કાનસરો ય શેના દિયે? પછી તો મને જ દયા આવી. મેં મુખીને કીધું કે આ વાણદું ક્યુનું કચકચ કર્યા કરે છે, તો એને મેલોની ખસતું ? તો મુખી શું બોલ્યા, ખબર છે ?’

‘ના. શું બોલ્યા ?’

‘બોલ્યા, કે આ વહવાયાની જાત્યને જ વરદાન છે. ઈ તો ઊંટ જેવા જનાવર ગણાય, ને ઊંટ તો ગાંગરતાં જ પલાણાય.’

‘બિચારો ટપુડો !’ કહીને સંતુ હસી પડી. ‘પછી? માળીપરબેથી નીકળ્યા કેડ્યે શું થયું ?’

માળી પરબેથી નીકળતાં મુખીએ નાળિયેરનો હિસાબ ગણી જોયો. કેટલા ઘા બાકી રિયા ઈ જાણી લીધું. ને હવે કેટલે ઘાએ અંબામાને મંદિરે આંબી શકાય એવી અટકળ ટેવી જોઈ. તરત આવીને મારા કાનમાં ફૂંક મારી ગ્યા કે હવે આ શરત જીતવાનું વીમા જેવું લાગે છે. ઘા આઘેરા નાખતો જા તો જ પુગાય એમ છે... મેં કીધું કે ડુંગરનાં પગથિયાં આડાંઅવળાં છે, એટલે હું ગમે ઈટલું જોર કરું તો ય ઘા બવ ઝાઝો સહેલે નહિ... તો મુખીએ કીધું કે પગથિયાને મેલ્ય પડતાં ને આડેધડ ફેકવા માંડ્ય ઝટ,