પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
લીલુડી ધરતી
 


‘વેરસીને જમૈયે મારી છાતી વીંધવાને સાટે માંડણનું કાંડું વીંધાઈ ગ્યું. એમાંથી લોહીનો દરેડો વછૂટ્યો. તરત મેં એક હાથે વેરસીડાને બોચીમાંથી ઝાલ્યો, ને બીજે હાથે એનો જમૈયો કાંડું મરડીને ઝૂંટી લીધો.’

‘ભગવાને રખ્યા કરી !’

‘ભગવાને નહિ, માંડણિયાએ !’ ગોબરે કબૂલાત કરી.

‘વાત તો સાચી. ઈ આવીને આડો ન ઊભો હોત તો શુંનું શું થાત !’

‘હું વીંધાઈ જાત.’ કહીને ગોબરે ઉમેર્યું, ‘તું કે’તી’તી ને કે ભાઈબંધ તો એનું નામ, કે જી આડા ઘા ઝીલે !’

‘હા—’

‘તી આ માંડણે મારા ઘા આડેથી ઝીલી જાણ્યા. મને એણે નવી જંદગાની આપી.’

‘વાત તો સાવ સાચી, અંબામાએ જ માંડણ પાસે આડા હાથ દેવરાવ્યા.’ કહીને સંતુ પોતે માની લીધેલા દુશ્મન વિશેનો અભિપ્રાય બદલીને મૂંગેમૂંગે એનો અહેસાન માની રહી હતી, ત્યારે જુસબ ઘાંચીના વાડામાં કૂકડો બોલી રહ્યો હતો.

 ***

બીજે દિવસે ઈસ્પિતાલમાંથી સમાચાર આવ્યા કે માંડણનો હાથ કોણી સુધી કાપી નાખવો પડશે. તુરત ગોબર, હાદા પટેલ, મુખી વગેરે શહેરમાં પહોંચ્યા. જીવો ખવાસ જેલમાં ગયો તે દિવસથી શાદૂળ તો જાણે કે ઓઝલપડદે રહેતો હોય એમ ગઢની ડેલી બહાર પગ જ નહોતો મેલતો. રઘો પણ હમણાં સાંકડા ભોંણમાં આવ્યો હોવાથી લપાતોછુપાતો રહેતો હતો. પરિણામે માંડણના આ બન્ને વાલેશરીઓએ એનો ભાવ સુધ્ધાં ન પૂછ્યો. મુખીએ અને ગોબરે મળીને માંડણની ચાકરી કરી.

આખરે, એક હાથ ગુમાવીને ઠૂંઠા થયેલા આ જવાને ઈસ્પિતાલમાંથી