પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી રાતે
૧૯૫
 

 છૂટીને ગુંદાસરમાં પ્રવેશ કર્યો ત્યારે વળી એક પાછલી રાતે—

—ઓઝતનાં જળ જંપી ગયાં હતાં ત્યારે—

—આખા ગામની શેરીઓમાં સોંપો પડી ગયો હતો ત્યારે— એક માત્ર અંબા ભવાનીને મેડે ઝડાસ દીવો બળતો હતો.

મેડા પર ચાનાં ખોખાં ઊંધાં વાળીને ત્રણ માણસો બેઠા હતા. રઘો શાદૂળ ને માંડણિયો.

આ ત્રણે ય જૂના સાગરીદોની મુખરેખાઓ તંગ જણાતી હતી. રઘો અને શાદૂળ કરડી નજરે માંડણ ભણી તાકી રહ્યા હતા. તેઓ જાણે કે માંડણને મોઢેથી કશાક ઉત્તરની અપેક્ષા રાખી રહ્યા હતા અને માંડણ હવે શું બોલવું એની વિમાસણમાં પડ્યો હોય એવું લાગતું હતું.’

સારી વાર સુધી આ મૌન ચાલુ રહ્યું. આખરે માંડણે એ મૌનનો ભંગ કર્યો :

‘ઘરમાં જરાક કજિયા જેવું થઈ ગ્યું, એટલે આંહી આવવામાં અહૂરું થ્યું.’

‘કજિયો ? કજિયો તો તારે ક્યાં લેવા જાવો પડે એમ છે ?’ રઘાએ ટકોર કરી. ‘કજીયો કર્યા વિના તો તને ને જીવતીને રોટલો ન ભાવે !’

‘આજ જરાક વધારે બોલચાલ થઈ ગઈ. જરાક ધોલધપાટ–’

‘એલા, જરાક શેની, ઝાઝી કે’ની ? ને તારી ધોલધપાટ એટલે તો સીધી ભાઠાંવાળી જ ! હું ન જાણતો હોઉં તો ને ? બિચારી જીવતીને લાકડીએ લાકડીએ લમધારી નાખી હશે, કહે કે હા. હાડકેહાડકું ખોખરું કરી નાખ્યું હશે, કહે કે હા. બિચારીનાં સાલપાંખડાં જુદાં પાડી નાખ્યાં હશે, કહે કે હા—’

‘હા.’ માંડેણે ઢીલોઢફ હોંકારો ભણ્યો. ‘પણ રઘાબાપા ! ઈ કભારજા ઈને પાપે જ માર ખાય છે. હું ઈસ્પિતાલેથી આવ્યો, ને