પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
લીલુડી ધરતી
 

 એ બારણું નીચે પછાડાયું કે તરત સહુ અંદર ધસી ગયા. જોયું તો જીવતી ભડથું થઈ જઈને એક તરફ પડી ગઈ હતી, પણ ખૂણામાં ભરેલા સુકા ખડના પૂળાઓ ભડકે બળતા હતા; એ જોઈને વખતી ડોસીએ તો ટકોર પણ કરી :

‘જીવતીએ તો ભૂંડણે ભાર્યે કરી. પંડ્ય તો બળી મરી, પણ વાંહે માંડણિયાને ય મારતી ગઈ. વરહ આખાનો સૂકો ચારો સળગાવી મેલ્યો બચાડાનો !’

ગમાણમાં ઊઠેલી અગનઝાળે સડસડાવી મૂકેલા જીવતીના શરીરને બહાર કાઢીને ફળિયામાં એક ખાટલા પર નાખ્યું ત્યારે એના ખોળિયામાં હજી થોડોઘણો જીવ હતો. અસહ્ય વેદનાના ઉંકારાઓ વચ્ચે પણ એ માંડણિયાને ગાળો સંભળાવવા મથતી હતી, પણ એના હોઠમાંથી સ્પષ્ટ ઉચ્ચારણો નીકળી શકતાં નહોતાં તેથી એ વધારે કષ્ટાતી હતી.

મુખીએ હુકમ કર્યો : ‘ગાડું જોડો ઝટ. શહેરને દવાખાને પુગાડો. માંડણિયાનાં નસીબ ચડિયાતાં હશે તો બચી જાશે.’

ઠૂંઠો માંડણ રઘવાયો થઈને આમતેમ ભમતો હતો. ગોબર ખપેડામાંથી બેડાં મોઢે પાણી રેડી રહ્યો હતો. પણ આગના ભડકામાં પાણી કરતાં પવનનું પ્રમાણ વધારે ઉમેરાતું હતું, તેથી આગ કોઈ રીતે કાબૂમાં આવતી નહોતી. પાછલી રાતનો ફુંકાતો દખણાદો વાયરો આગને વીંઝણો ઢાળી રહ્યો હતો.

જીવતીને ભડથું થઈ ગયેલી જોઈને સહુને અરેરાટી છૂટતી હતી, ત્યારે માંડણના પડોશી નથુ સોની, એની વહુ અજવાળી કાકી અને જુવાન પુત્રી જડાવ એક જુદી જ ચિંતામાં પડ્યાં હતાં. જીવતી આપઘાત કરીને સળગી મરી એ બાબતનો એમને બહુ રંજ નહોતો; માંડણનું વરસ આખાનું સંઘરેલું ઘાસ અને એકઢાળિયું બળીને રાખ થઈ જાય એની પણ આ પડોશીઓને પડી નહોતી. એમને તો અત્યારે એક જ ફિકર હતી : 'માંડણિયાના