પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી રાતે
૨૦૧
 


એકઢાળિયાની આગ પોતાની ઓસરીને આંબી જાય તો ઘરમાં સંઘરેલું સોનુંરૂપું બચાવી લેવાની !

તેથી જ તો એકઢાળિયામાં બારણાં ભીડીને જીવતીએ પોતાને શરીરે આગ ચાંપી અને કમાડની તરડમાંથી તાતા ભડકા દેખાવા માંડ્યા કે તુરત નથુએ તિજોરી ને આરિયાં-કબાટ ઉઘાડીઉધાડીને સંધુ ય સોનું એકઠું કરવા માંડેલું. એનું ઘર અને હાટ બધુ ય ભેગું જ હતું; બલકે, ઘરમાં જ એક આગલે ઓરડે બેસીને નથુ સોનું ઘડતો, તેથી ઘરાકોનાં નામાંઠામાં ને લેણદેણના ચોપડા ઉગારી લેવાની પણ એને ચિંતા હતી. ફળિયામાં એકઠી થયેલી માનવમેદનીની કશી ય પરવા કર્યા વિના એ તો એક મેલા ફળિયામાં પોતાની માલમત્તા વીંટીને ગિધાને ઘેરે મૂકી આવવામાં રોકાયો હતો. અને એ કાર્યમાં પણ અસાધારણ ગુપ્તતા જાળવવા ખાતર એ લપાતો-છુપાતો જ આવજા કરતો હતો.

એકઢાળિયામાં ભડકે બળતું ખડું હજી ઓલવાય એવી શક્યતા દેખાતી નહોતી તેથી નથુ સોનીએ પોતાની પત્નીને તથા પુત્રીને ઓરડામાંથી બહાર નીકળી જવાની સૂચના આપી.

અજવાળી કાકી તો ઝટપટ બહાર નીકળવા તૈયાર થઈ ગયાં પણ જડાવ આનાકાની કરી રહી, તેથી માતાએ કોઈ સાંભળે નહિ એવા ધીમા સાદે પુત્રીને ધમકાવી કાઢી : ‘બવ વાયડી થા મા ! અટાણે આ ધડાપીટમાં કોણ તારું ડિલ ભાળી જાવા નવરું બેઠું છે ? ઝટ નીકળી જા બાર્ય, નીકર આ લાય આંઈ લગણ આંબી જાશે તો તું ય જીવતીની ઘેાડ ભડથું થઈ જાઈશ...’

પણ પુત્રીને બહાર નીકળતાં પારાવાર ક્ષોભ થતો હતો તેથી અજવાળીએ એને ધમકાવી કાઢી : ‘અલી જડકી ! તું તો સાવ ઝોડ જેવી જ રહી ! એક તો આવા ઉફાંદ કરીને અમારું નાક વઢાવવા ઊભી થઈ છો, ને વળી આવે ટાણે અમને લમણાઝીક કરાવે છે ?’

અસાધારણ ક્ષોભ ને સંકોચ સાથે જડાવ નીચી મૂંડીએ