પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાજાંવાળા આવ્યા
૨૦૭
 

ભૂતેશ્વરના મંદિરની દિશામાંથી નવતર વાદ્યોનો અવાજ આવ્યો :

તડાક્ ધિન... ધિન

તડાક્ ધિન...ધિન...

અને સહુ પાણિયારીઓનું ધ્યાન એ તરફ દોરાયું.

ગુંદાસરના પાદરમાં વહેલી પરોઢમાં નવી જાતનાં વાજાં નગારાં વાગવા લાગ્યાં. ઢોલ ને શરણાઈ સિવાયનું બીજુ કોઈ જ વાજિંત્ર જેમણે જન્મારામાં જોયું નહોતું એ ગામલોકો માટે આ વિદેશી વાદ્યો કૌતુકનો વિષય બની રહ્યાં; સહુ એકીટસે આ વાદકો તરફ તાકી રહ્યાં; પાવઠી પર પાણી સિંચાતાં થંભી ગયાં.

જાંબલી રંગના જીનનાં અડધાં પાટલૂન, અડધી ખમીસ, લીલા રંગનાં મોજાં ને માથે ધોળી ટોપીઓનો એકસરખો ગણવેશ પહેરેલા કિશોરો−તરુણો આ વૃંદવાદન કરી રહ્યા હતા.

‘હાલો મોરલીરાજાં સાંભળવા ! હાલો મોરલીવાજાં જોવા !’ ગામના ઉગમણા ઝાંપાથી ઠેઠ આથમણા ઝાંપા સુધી સમાચાર ફેલાઈ ગયા.

વાદકોમાં સહુથી મોટેરો છોકરો બગલમાં બૅગ–પાઈપ વાજું દાબીને ગલોફાં ફુલાવી ફુલાવીને વગાડતો હતો. એ માણસ હવા તો એક જ ભૂંગળામાં ઠાંસતો હતો, પણ એ વડે એકીસાથે ત્રણચાર મોરલીઓમાંથી સૂર નીકળતા હતા એ તો અહીંનાં ગામડિયાંઓ માટે જાદુમંતર જેવું અચરજ ઊભું કરતા હતા.

‘એલાવ, હાલો કોથળાવાજાં સાંભળવા !’

ઊભી બજારેથી માણસો આવવા લાગ્યાં. જોતજોતામાં તો વાદકોની આજુબાજુ ખાસ્સું ટોળું જામી ગયું. પૂરતી સંખ્યામાં શ્રોતાઓ એકઠા થઈ ગયા છે એવું લાગતાં જ વાદકોના મુખીએ સંજ્ઞા કરી.

એકાએક ‘કોથળાવાજાં’ બંધ થઈ ગયાં અને વાંસળીઓ વાગવા લાગી. ચાર કિશોરોએ અત્યંત કરુણ સ્વરે ગાવા માંડ્યું :