પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ સત્તરમું

અને વાજાંવાળા ગયા

પાદરમાં વાગતાં મોરલીવાજાંના સરોદ સાંભળીને જ ‘અંબાભવાની’માં બેઠેલા રઘાના કાન ચમકી ઊઠ્યા હતા, પણ અત્યારે થડે બેસાડવા માટે કોઈ સ્વયં સેવક હાથવગો ન હોવાથી એ પોતાનું તખત છોડી શક્યો ન હતો. વાજતું-ગાજતું બધું ય માંડવે આવવાનું જ, એવી અટળી શ્રદ્ધાથી એ આ આગંતુકોની રાહ જોઈ રહ્યો હતો. રઘામાં બીજા ગમે તે અવગુણ હશે, પણ એનો એક મોટામાં મોટો ગુણ તો એના દુશ્મનોએ ય કબૂલ કરવો પડતો. એ ગુણ હતો, પારકાને ખાતર ઘસાઈ છૂટવાનો ગુણ.

રઘો પારકી છઠ્ઠીનો જાગતલ માણસ હતો. જે જમાનામાં ‘સેવા’ પ્રવૃત્તિ એક વળતરદાયક વ્યવસાય તરીકે હજી સ્થિર થઈ નહોતી, એ જમાનામાં રઘો એ ગામમાં સ્વયંનિયુક્ત સેવક બની રહેલો. સદ્દગુણદુર્ગુણના વિચિત્ર દ્વંદ્વસમો આ માણસ ગુંદાસરમાં ‘જાગતું પડ’ ગણાતો. કોઈને ઘેર મંદવાડ-સંદવાડ હોય તો રઘો કાળી રાતે પણ હાજર થઈ જાય. બહારગામથી કોઈ અપંગઅભ્યાગત આવે તો રઘો શુશ્રષા કરે જ. ફોજદારથી માંડીને ભવાયા સુધીના આગંતુકના ઉતારા ‘અંબા ભવાની’ને આંગણે જ હોય. આવી ખાતરબરદાસ્ત કરવાનો રઘાને એક પ્રકારનો શોખ પણ હતો. એમ કરવાથી એનામાં રહેલો કોઈક જાગ્રત-અજાગ્રત અહંભાવ પણ પોષાતો હતો. તેથી તો અત્યારે આ અનાથાશ્રમનાં બાળકોને જોતાં જ એણે સાધુઓની મૂંડીની જેમ ઝડપભેર એમનાં માથાં ગણી