પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અને વાજાંવાળા ગયા
૨૧૧
 

 કાઢ્યાં અને તુરત ચા ઉકાળનાર છનિયાને આદેશ આપી દીધો :

‘એલા, અઢાર કોપ કડક પેસિયલ ઉકાળજે !’

અંબા−ભવાનીમાં દૂધમાં પાણીનો ભેગ કર્યા વિના કદી ચા ન ઉકાળનાર છનિયો આ વરદી સાંભળીને નાંદમાંથી પાણીનો કળશો ભરવા વળ્યો કે તુરત રઘાએ આંખ રાતી કરીને સંભળાવી :

‘ઓલ, નકરા દૂધની મેલ્ય !’

‘તમે તો પેસિયલ કીધી ને ?’ છનિયે સામું પૂછ્યું. સ્પેશિયલ ચહા એટલે આધા દૂધ, આધા પાની, એવો આ હૉટેલનો શિરસ્તો હતો.

‘આજે પ્યૉર પેશિયલ ઉકાળ્ય !’ રઘાએ કરડાકીથી સૂચવ્યું. પોતે આફ્રિકા ફરી આવેલો ત્યાંથી ‘પ્યૉર’ જેવા થોડા અંગ્રેજી શબ્દો શીખી લાવેલો.

છનિયો ચૂલાની ધમણ દાબતો દાબતો બબડ્યો : ‘કીધા વિના ક્યાંથી ખબર્ય પડે ? હું કાંઈ ભગવાન થોડો થઈ આવ્યો છઉં'...’

‘એલા હું કંઉ નંઈ તો ય તારી આંખ્ય તો ઉઘાડી હતી કે નંઈ ? આંગણે કોણ ઊભાં છે, ભાળશ કે નંઈ... ?’

‘ભાળું છઉં... મોરલીવાજાવાળાં આવ્યાં છ.’

‘મૂરખના જામ ! આ વાજાંવાળાં નથી, કે તારા વરઘોડામાં આવ્યાં, આ તો અનાથ અભ્યાગત છે, અભ્યાગત !’ કહીને રઘાએ સંતોષ વ્યક્ત કર્યો : ’અંબા−ભવાનીનું આંગણું આજે પાવન થઈ ગ્યું.’

ઊભી બજારે સાંપડેલા આ અણધાર્યા આવકારથી અનાથો રાજીરાજી થઈ ગયા અને એમણે હૉટેલના આંગણામાં બમણા ઉત્સાહથી ગાયન-વાદન કરવા માંડ્યું.

બે જડબાંની બખોલમાં પાનના ડૂચા ચાવતાં ચાવતાં રઘો આ અનાથોના ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો.

ઝીણવટથી નિરીક્ષણ કરતાં કરતાં એકાએક એની ચૂંચી આંખ ચમકી ઊઠી. આમ તો પોપચાં ને નેણ ઉપર ઝળુંબતા