લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અને વાજાંવાળા ગયા
૨૧૩
 

 છે, તો તારી માના સમ છે... મને પૂછ્યા વન્યા પાનની કટકી ય ખાધી છે તો તારા બાપના સમ છે. કીટલીમાં વધેલી ચાને અડ્યો છે, તો તારી ઓખાત ખાટી કરી નાખીશ ! એકે ય ઘરાકનું કાવડિયું નેફે ચડાવ્યું છે તો હાડકાં ભાંગી નાખીશ...’ આવી આવી આકરી ધમકીઓ આપીને રઘો મહેમાનોને મોખરે થયો.

‘હાલો તમને સારાં સારાં ખમતીધર ખોરડાં દેખાડું. તમે તો ગામનાં અજાણ્યાં એટલે ક્યાંથી જાણો કે કોણ કસવાળું છે, ને કોણ નથી ?... અજાણ્યાં ને આંધળાં, બે ય બરોબર....’

અહોનિશ ‘અંબા ભવાની’માં જ પડ્યો રહેનારો રઘો ઉત્તરાવસ્થામાં સાવ બેઠાડુ થઈ ગયેલો તેથી તેને સરિયામ રસ્તા પર પગે ચાલવાનું બરોબર ફાવતું નહિ, એનું એક કારણ કદાચ એ પણ હશે કે એના વિશાળ કટિપ્રદેશ ઉપર ધોતિયાની કાછડી સ્થિર રહી શકતી નહિ. નદીએ નહાવા જતી વેળા તો ગામઝાંપાની બહાર જ ચાલવાનું હોવાથી રઘાને આ બાબતની બહુ મૂંઝવણ થતી નહિ; પણ અત્યારે ઊભી બજારે ને પ્રતિષ્ઠિત ખોરડાંઓને આંગણે જવાનું હોવાથી એની અકળામણનો પાર ન રહ્યો. કટિપ્રદેશના પહોળા પરિઘમાંથી વારંવાર સ્થાનભ્રષ્ટ થઈ જતી કાછડીની પુનઃપ્રતિષ્ઠા કરતો કરતો અને કોઈ તોફાની છોકરા પાછળ આવીને કશો અટકચાળો ન કરી જાય એની તકેદારી રાખતો, ડુંગળી−બટાટા ભરેલા મોટામસ બારદાનની જેમ એ મહાકષ્ટે અને મંથર ગતિએ આગળ વધ્યો.

ગિધા લુવાણાની હાટડીની ભીંત પર પાનની પિચકારી છાંટીને રઘાએ અનાથોને આદેશ આપ્યો :

‘આંયાં કણે વગાડો.... સારી પટ... ખમતીધર આસામી છે.’

‘આ શું ગોરબાપા ! અટાણના પો’રમાં આ પળોજણ ?’ ગિધાએ કહ્યું, ‘હજી તો બોણી ય થઈ નથી.’

‘એલા ગિધિયા ! જલમ ધરીને કોઈ વાર સાચું બોલ્યો હો