પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
લીલુડી ધરતી
 

 તો તારી માના સમ ખા ! તારી છઠ્ઠી મંડાણી’તી તે દિ’ ય તું સાચું નો’તો રોયો.’

’તમે તો ભાર્યે બટકબોલા !’

‘તું મોઢામાં આંગળાં ઘાલીને બોલાવ્ય પછી તો બોલવું જ પડે ને ! તેં કીધુ કે હજી સવારના પોરમાં બોણી નથી થઈ. આ ઘડીક મોર્ય છનિયો પાકા અઢીશેર પેંડાનું પડીકું બંધાવી ગ્યો ઈ તો તેં પીળે પાને ઉધારીને આપ્યું હશે, કેમ ભલા ?’

‘બોલવામાં તો તમને કોઈ ન પૂગે, ગોરબાપા !’

‘તો પછી ડાયો થઈને નાખી દે આ પેટીમાં પાંચ રૂપિયા.’ કહીને રઘાએ સિક્કાની પેટીવાળા માણસને દુકાનના ઉંબરા નજીક ખેંચ્યો, અને બાળકોને આદેશ આપ્યો : ‘એલાવ, જરાક જોર કરીને વાજાં વગાડો ને ગિધાકાકાને ગમે એવું ગીત ગાવ !’

‘બચાડાં ગરીબ છોકરાંવનાં ગળાં શું કામે ઢરડાવો છો ?’

‘તો પછી ઝટ રૂપિયા નાખી દે પેટીમાં તો છોકરાં થાય હાલતાં...’

‘એમ રૂપિયાનાં ક્યાં ઝાડ ઊગે છે, તી ખંખેરી દઉં ? આ ભૂડથાં હાર્યે વેપાર કરવામાં સાંજ પડ્યે શેર ધૂળ પેટમાં જાય છે.’

‘એલા, ભૂડથાં ભૂંડથાં કરીને ગામ આખાને લૂંટશ, ને વળી : પાછો મારી આગળ ચેષ્ટારી કર છ ? ઉઘાડ્ય ઈસ્કોતરો !’

‘એમ ઇસ્કોતરા ઉઘાડવા બેહીએ તો સાંજ મોર્ય દીવાળું નીકળે, દીવાળું !’ કહીને ગિધાએ ઉમેર્યું, ‘ઈસ્કોતરો એક ને માગણ અનેક—’

‘માગણ’ સાંભળીને રઘાના મગજની કમાન છટકી, ‘એલા: કહું છું કે આ માગણ નથી, આ તો મોભાદાર ઘરનાં માવતર વિનાનાં છોકરાં છે...’

અને બોલતાં બોલતાં તુરત રઘો મૂંગો થઈ ગયો, ગંભીર બની ગયો. એની ઝીણી આંખમાં કોઈક વિચિત્ર વિષાદ આવી બેઠો, ને