પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
લીલુડી ધરતી
 

માટે હેરાન થાય છે ? પણ રઘાની ગત રઘો જ જાણે, એવું અનુભવસિદ્ધ જ્ઞાન ધરાવનાર મહંત બધી લીલા મનમાં જ સમજીને મૂંગા રહ્યા, મનશું વિચારી રહ્યા : રઘો તો રંગીભંગી માણસ છે. જેની ઉપર વરસે એની ઉપર અનરાધાર વરસે, ને જેની ઉપર વિફરે એની સાત પેઢીનાં મૂળ ખોદી નાખે ! રઘાની આવી ધાકને લીધે તો ઈશ્વરગિરિ પણ એનાથી દબાયેલા રહેતા.

ગિધાની હાટેથી સિધું-સામાન મંગાવીને રઘાએ પોતે જ ભૂતેશ્વરની ધરમશાળામાં પાકી રસોઈ કરીને પોતાના આ પરોણાઓને ભાવપૂર્વક જમાડ્યા.

છેક રોંઢા નમ્યા પછી આ અતિથિઓ ગામમાંથી વિદાય થયા ત્યારે પણ રઘો એમને વળાવવાને મસે જોડે જોડે હાલતો થયો.

*