કળી અબનૂસ લાકડા જેવી હોવાથી ‘સંતુ જાંબુડી’ કહેવાતી. અને ત્રીજી સંતુ, જેને હાદા ઠુમરના દીકરા જોડે પરણાવેલી, પણ જેનું હજી આણું થયું નહોતું–અને જે ફટાયા શાદૂળની આંખમાં વસી ગયેલી, એ બહુ ગોરી નહિ તેમ બહુ કાળી નહિ એવા ઘઉંલા વાને હોવાથી એને ઓળખવા માટે કોઈ રંગસુચક શબ્દ બંધબેસતો નહોતો આવતો. પણ રઘો ગોર શહેરમાં જઈને ‘સંતુ રંગીલી’વાળી રેકર્ડ લઈ આવ્યો અને હોટેલમાં એ તાવડી વાગતી થઈ ત્યારથી અહીંના ગ્રાહકવર્ગે એ ત્રીજી સંતુને ‘સંતુ રંગીલી’ નામ આપી દીધેલું અને ત્યારથી એ સંતુ તથા આ રેકોર્ડ બંને શાદૂળભા માટે પ્રિયપાત્રો બની રહેલાં.
રસ્તા ઉપર શકરાની જેમ નજર નાખીને શાદુળભા બપોર સુધી બેઠા રહ્યા, સંતુનાં દર્શન થયાં નહિ એટલે એમની વિહ્વળતા વધી, અને એની બધી ખીજ માંડણ ઉપર ઊતરી.
‘ક્યાં ગુડાણો માંડણિયો ?’
‘આજે ઈ નવરો નંઈ હોય દરબાર !’ રઘો કહેતો હતો, ‘હાદા ઠુમરનો પરબત મરણપથારીએ પડ્યો છે, એટલે આંટાફેરામાં રોકાણો હશે.’
‘પણ પરબતિયો માંદો એમાં માંડણિયો શું કામ હેરાન થાય છે ?’
‘છૂટકો થોડો છે ? ત્રીજી પેઢીએ જ પિતરાઈ થાય; જરા ય આઘું સગપણ નંઈ. પરબતની દેઈ છૂટશે તયેં માંડણિયાને પાકુ એકવી દિ’નું લાગશે—'
‘શું ? શું લાગશે ?’
‘સૂતક; બીજું શું લાગે ?’
‘પણ બે ય પિતરાઈ વચ્ચે વળી ક્યાં હેતપ્રીત ફાટી જાય છે ? બે ય ખોરડાં વચાળે બોલ્યાવે’વાર તો છે નંઈ !’
‘જીવતા જીવને ગમે એટલાં વેરઝેર હોય પણ માણસ મરે