લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
લીલુડી ધરતી
 


વગરનાં... આજ સવારનાં ગામમાં ગર્યાં છે, ઈ જ—’

‘ગામમાં મરની ગર્યાં, પણ આપણા ખેતરમાં શું કામે ને ગરે છે ?’ ઊજમને નવાઈ લાગી.

‘ભગવાન જાણે !’ કહીને સંતુએ વળી એક વધારે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ‘આ સહુની મોઢા આગળ તો રઘોબાપો આવે છે !’

‘રઘો ?’ ઊજમે ઝીણી નજરે જોઈને પૂછ્યું, ‘રઘાનો આંયાં કણે શું ડાબલો દાટ્યો છે ?’

દેરાણી–જેઠાણી આવાં કુતૂહલ અનુભવી રહી ત્યાં તો રઘાની રાહબરી તળે અનાથાશ્રમનો આખો ઝમેલો થાનકવાળા ખેતરમાં દાખલ થઈ ગયો.

રઘાને જોઈને સંતુ જરા ભય અનુભવી રહી. ઊજમે પણ અગમચેતીથી આ ભેદી માણસને પડકાર્યો :

‘રઘાબાપા ! કોનું કામ છે ?’

‘સતીમાતાનું.’ રઘાએ જવાબ આપ્યો.

અત્યારે ખેતરે કોઈ નહિ હોય, એમ સમજીને અનાથ બાળકને થાનકમાં પગે લગાડવા આવી પહોંચેલ રઘો અણધાર્યા પડકારથી જરા છોભીલો પડી ગયો અને ઊજમના પ્રશ્નનો સાવ ટૂંકો ઉત્તર આપીને એ સતીમાના થાનક તરફ વળી ગયો.

ભૂદેવના હાથમાં તરભાણું, દીવેટ, દીવાસળીની ડાબલી વગેરે વસ્તુઓ જોઈને ઊજમને એટલી તો ખાતરી થઈ કે રઘો આવ્યો છે તો સાચોસાચ થાનકે દીવો કરવા. છતાં હજી એને સમજાયું નહિ કે આ આશ્રમવાળાં બાળકોને તેડીને આ માણસ શા માટે અહીં સુધી લાંબો થયો હશે...

રખે ને આમાં કશો ભેદ હોય એમ સમજીને સંતુ અને ઊજમ ચારની ગાંસડી બાંધવાનું પડતું મેલીને સતીમાના થાનક નજીક પહોંચી ગયાં. જોયું તો રઘાએ અજબ આસ્થાપૂર્વક માતા સમક્ષ ઘીનો દીવો પેટાવ્યો, અને ઉત્સાહપૂર્વક નાળિયેર વધેરીને કશીક