પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શુકન પકવ્યાં
૨૧૯
 

માનતા કે બાધા કોઈ સાંભળી ન શકે એટલા અસ્પષ્ટ અવાજે, ગણગણવા લાગ્યો :

‘છોકરાવ ! સતી માને પગે લાગો તો સુખી થાશો !’ નાળિયેરની કટકી કટકી સહુ અનાથોને વહેંચીને રઘાએ લશ્કરી ઢબે હુકમ ફરમાવ્યો. અને સહુ બાળકો પોતાનાં વાજાં, વાંસળી, વાદ્યો એક તરફ મૂકીને સતીમાની મૂર્તિ સમક્ષ પ્રણિપાત કરી રહ્યાં.

હવે જ રઘાએ પાછળ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારી આ બધી જ ક્રિયાઓ અને ચેષ્ટાઓ આ ખેતરની બે માલેકણો છાનીમાની અવલોકી રહી છે. રખે ને આ બે સ્ત્રીઓ મારા આ વર્તન અંગે વહેમાય, એવી એક સાહજિક દહેશતથી એણે ખુલાસો કરવા માંડ્યો :

‘આ બચાડાં માબાપ વિનાનાં છોકરાં... ગામમાં સાવ અજાણ્યાં. એટલે હું એની ભેગો હાલ્યો ને પાંચપચી રૂપિયા ઉઘરાવી દીધા... ભૂખ્યાંતરસ્યાં વાજા વગાડતાં’તાં એટલે મારો જીવ બળ્યો... ભૂતેશ્વરની ધરમશાળામાં સહુને જમાડ્યાં જુઠાડ્યાં... બચાડાં આ પંથકમાં કોઈ દિ’ આવેલ નહિ એટલે અજાણ્યાં ને આંધળાં બેય બરોબર... મેં કીધું હાલો હું તમને વળાવી જાઉં, ને શાપરને કેડે ચડાવતો જાઉં... પણ સીમ વળોટતાં સતીમાનું થાનક આવે એની આ અજાણ્યા માણસને શેની ખબર હોય ?... મેં કીધું આવાં સાચક ને હાજરાહજૂર સતીમાને થાનકે દીવો કર્યા વિના ન નીકળાય... એટલે, મારગેથી જરાક આડા કરીને આણીકોર આવ્યા... સતીમાને વંદ્યા વિના સીમાડો વળોટાય ? આ હવે માની મૂર્તિને જવારીને સારાં શકન પકવ્યાં કે’વાય...’

સંતુ–ઊજમને આવુ અષ્ટંપષ્ટં ભણાવીને રઘાએ હુકમ છોડ્યો :

‘એલા છોકરાવ ! માની મૂર્તિ સામે સારીપટ વાજાં વગાડો એટલે મા પરસન થાય !’