પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
લીલુડી ધરતી
 


રઘાનો બોલ પડતાં જ અનાથોએ એમનાં વાદ્યો ઉપાડ્યાં અને પૂરજોશમાં વગાડવા માંડ્યાં.

પોતાની આંતરિક અસ્વસ્થતા જતી કરવા માટે ૨ઘાને આવા કશાક બાહ્ય ઘોંઘાટની આવશ્યકતા હતી જ, વળી, સંતુ–ઊજમ તરફથી પૂછાનાર કોઈ અગવડકારક પ્રશ્નો ટાળવાની પણ એની મુરાદ હતી. એ બન્ને મુરાદો પૂરેપૂરી બર આવી ગઈ છે એમ લાગતાં જ રઘાએ ટોળીને આગેકૂચનો આદેશ આપી દીધો :

‘હાલો ઝટ, વગાડતાં વગાડતાં જ વે’તાં થાવ, એટલે સીંજા મોર્ય શાપરના પાદરમાં પૂગી જાવ !’

નાની સરખી લશ્કરી ટુકડી કૂચ કદમ કરતી હોય એ ઢબે અનાથો હાદા પટેલના ખેતરમાંથી મારગકાંઠે ઊતરી ગયા ત્યારે દૂર દૂરથી સંભળાતાં એમનાં સૂરીલાં વાજામાંથી સંતુ–ઉજમને રઘા મહારાજનાં કોઈક ભયાનક કારસ્તાનની બસૂરી તાન સંભળાઈ રહી.

***

અંબાભવાની હૉટલમાં નાનો સરખો ઉલ્કાપાત મચી ગયો.

દિવસ આથમ્યો ને દીવે વાટ ચડી છતાં ય રઘો ન આવ્યો તેથી ઘરાકોનું કુતૂહલ વધી ગયું.

આફ્રિકાથી પાછા ફર્યા બાદ જે માણસે ઓઝતનો સામો કાંઠો કદી વળોટ્યો નહોતો, એ આજે હૉટલ બંધ થવાના સમય સુધી ફરક્યો જ નહિ, તેથી છનિયા જોડે ગામલોકોનેય ચિંતા થવા લાગી.

‘એલા ક્યાં ગ્યા ગોરબાપા ?’

‘હું શું જાણું ?’ છનિયો કહેતો હતો. ‘ઈ તો ઓલ્યા વાજાંવાળાને વળાવવા ગ્યા’તા–’

વાજાં વાળાંવ તો રોંઢાટાણાના ગામમાંથી ઊઘલી ગ્યાં છે. પણ અટાણ લગણ ભૂદેવ રોકાણા ક્યાં ?’

‘ને વાજાંવાળાનું વળામણું ક્યાં લગણ કરવાનું ? ગામના પાદર લગણ, ને બવબવ તો શાપર લગણ.’