પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શુકન ૫કવ્યાં
૨૨૧
 


‘તો ય સીંજાટાણે તો પાછો આવી જ પૂગે ને ? કે પછી ઈ મહેમાનને એને મૂળ ગામ લગણ મેલવા ગ્યો છ ?’

‘ભલું પૂછવું ભૂદેવનું ! એને તો બાવો ઊઠ્યો બગલમાં હાથ; રઘાને તો નહિ આગળ ધરાર કે નહિ વાંહે ઉલાળ. ક્યાં વાંહે કોઈ વાટ જોનારી છે તે ટાણાસર ઘરભેગા થાવું પડે ?’

‘અરે ભલો હશે તો તો ઓલ્યાં માબાપ વગરનાંવ સારુ ગામમાંથી પાંચપચીનું ઉઘરાણું કર્યું છે ઈ હધુંય ખંખેરતો આવશે !’

આ બધી ય નુક્તેચિનીમાં જેરામ મિસ્ત્રી ઊંડો રસ લઈ રહ્યો હતો. રઘાની આ ભેદી હિલચાલને પરિણામે મિસ્ત્રીની જિજ્ઞાસા એવી તો ઉશ્કેરાઈ ગઈ હતી કે એ શક્ય તેટલી વધારે વિગતો મેળવવા મથી રહ્યો હતો.

અને એવામાં જ, રાતનાં બીડીબાકસ ખરીદવા નીકળેલા ગોબરે વાતવાતમાં કહ્યું કે સાંજકને ટાણે રઘોબાપો વાજાવાળાંવને લઈને સતીમાને થાનકે પગે લગાડવા ને નાળિયેર વધેરવા આવ્યો’તો—

આ સમાચારે તો જેરામની જિજ્ઞાસાને બેવડી બહેકાવી મૂકી. એણે તો કલ્પનાના ઘોડાને એટલે સુધી દોડાવ્યા કે આ રીતે અનાથ બાળકોને ફોસલાવીને પટાવીને એમને પેલા કાબૂલીઓ કે પઠાણોને ત્યાં વેચી મારવાની પણ રઘાની મુરાદ હોય !’

‘કાં તો કાલ સવારમાં જ સાંભળશું કે અનાથાશ્રમમાંથી બેચાર છોકરા ખોવાણા છે.’

‘અરે ભામણનો દીકરો ઊઠીને આવા ગોરખધંધા કરતો હશે ?’ જેરામના નિવેદન સામે જુસબ ઘાંચીએ શંકા વ્યક્ત કરી.

‘તમને કોઈને શી ખબર પડે રઘાની રમતની ?’ જેરામે જવાબ આપ્યો. ‘આફ્રિકામાં એણે કેવા જાકુબીના ધંધા કર્યા છે, ઈ જાણો છો તમે કોઈ ?’

‘ના ભઈ ! એટલા આઘેતા મલકમાં અમે કાંઈ જોવા−જાણવા