પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શુકન પકવ્યાં
૨૨૩
 

છનિયાને થતી હતી.

રઘો આજે સવારમાં થડો છોડીને ગયો ત્યારે છનિયાને કીટલીમાં વધેલી ચા પીએ તો માના સોગન અને વકરામાંથી એક કાવડિયું ય નેફે ચડાવે તો બાપના સેગન દઈને ગયેલો, તેથી હવે હૉટલ બંધ કરતી વેળા એ વધેલી ચા અને વકરાની શી વ્યવસ્થા કરવી એની આ નોકરને ભારે વિમાસણ થઈ પડી.

‘એલા હંધોય વકરો શાદૂળભાને બરકીને સોંપી દે !...’ નથુ સોનીએ મજાક કરી, ‘આમે ય રઘાબાપાને ઈ પહેલા ખોળાનો હોય એટલો બધો વહાલો છે, એટલે વકરાનો કબજો એને જ સોંપી દે !’

સાંભળીને બેચાર ઘરાકોએ મર્માળાં હાસ્ય વેર્યા; એકાદ જણે આંખ મિચકારી. જેરામે સંભળાવી :

‘ઈ તો વહાલો હતો તે દીની વાત તે દી. હવે ઓલ્યા પોલીસવાળા આવ્યા કેડ્યે તો શાદૂળિયાની સામું જોતાં ય રઘલો ગભરાય છે.’

‘કોને ખબર છે કોણ ગભરાય છે !’ ભાણા ખોજાએ કહ્યું. ‘જીવો ખવાહ જેલમાં ગ્યા પછેં તો શાદૂળભાએ ડેલી બા’ર પગ પણ નથી મેલ્યો. ઈના વન્યા તો સંતુ રંગીલીની રિકાટે ય ધૂળ ખાતી પડી છે.’

કોઈકે વળી એક ગોળો ગબડાવ્યો :

‘સાંભળ્યું છે કે શાદૂળ તો વેશપલટો કરીને ક્યાંક પર મલકમાં ઊતરી ગ્યો છે. રૂપલી રબારણના કેસનો નિકાલ ન આવે ત્યાં લગણ કિયે છ કે શાદૂળભા આ ગામમાં પગ નહિ મેલે.’

‘અલ્યા તું દરબારગઢની માલીપા જઈને જોઈ આવ્યો લાગ છ, હંધુ ય !’

‘જોવા તો કોણ જાય ? પણ ગામમાં વાતું થાય ઈ સાંભળીએ. કિયે છ કે જીવા ખવાહનો નિકાલ નહિ થાય ત્યાં લગણ શાદૂળભા ઉંબરા બા’રો નથી નીકળવાનો.’