‘જીવલાનો કેસ તો આ પુનમને દી હાલવાનો જ છે.’ હવે જેરામે પોતાનું અખબારી જ્ઞાન રજૂ કર્યું. કાં તો જલમટીપ જડે છે ને કાં ફાંસીએ ચડાવે છે !’
‘ફાંસીએ તો મને રઘોબાપો ચડાવી દેશે.!’ છનિયાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. ‘આવીને વકરો ગણશે ને કાંઈ વેમ પડશે તો મારી મારીને લોથ કરી નાખશે !’
છનિયાની મૂંઝવણ પર સહુ ઘરાકોએ સહાનુભૂતિથી વિચાર કર્યો અને એને કશોક તોડ કાઢવાનો પણ પ્રયત્ન કરી જોયો, હોટલ વધાવવી કે નહિ એ પ્રશ્ન મહત્ત્વનો બની રહ્યો. રખેને રઘો અડધી રાતે આવી પહોંચે તો ? આખરે આવું નક્કી કર્યું કે છનિયાએ હૉટલને તાળું વાસીને બહાર ઊંબરા ઉપર જ સૂઈ રહેવું ને રઘો આવે કે તુરત જ ગલ્લામાંથી વકરો ગણી દેવો.
‘ભાઈશા’બ ! તમે સહુ માથે ઊભા રહીને વકરાનો હિસાબ ગણી લ્યો નકર રઘાબાપાને વેમ આવશે કે કાવડિયું નેફે ચડાવ્યું છે તો મારું ઢીંઢું રંગી નાખશે !’
‘હવે જોયો મોટો ઢીંઢાં રંગવાવાળો ! ગોબરે છનિયાને હિંમત આપી. ‘તું તારે મૂળાને પાંદડે મઝા કર્ય ! તારી સામે અવાજ કરે તો અમે સહુ બેઠા છીએ.’
*