પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
લીલુડી ધરતી
 

 જ ખેંચી કાઢું, ને કાં તો રાંડને ટાંટિયો ઝાલીને વાવમાં જ નાખી દઉં !’

‘ના ના, વખતી ભલે જીવતી રહી. ગામમાં એ જ એક સુયાણી છે ને મરી જશે તો મોટી ખોટ પડશે.’ ગોબરે કહ્યું.

‘કાલે મરતી હોય તો આજ મરે. પણ આવાં ન બોલવાનાં વેણ શું કામ બોલે છે ?’

‘બોલાઈ જાય. જીભ છે. ચામડાની જીભ આમે ય વળે ને તેમે ય વળે.’ આવું કૃત્રિમ આશ્વાસન આપીને ગોબરે સંતુના મનનું તો સમાધાન કરી દીધું, પણ પોતાના મનમાં એક નવી જ ગડમથલ ઊભી કરી, જેનું સમાધાન કોઈ રીતે થઈ શકે એમ નહોતું.

‘માંડણે મને શા માટે બચાવ્યો ? ગોબરના મનમાં આવો વિચિત્ર પ્રશ્ન ઊઠ્યો. હા, એ માણસે મને જીવતદાન આપ્યું, એ વાત સાચી. વેરસીએ કરેલો ઘા માંડેણે આડેથી ઝીલ્યો ન હોત તો આજે હું કદાચ આ ઘરમાં હયાત જ ન હોત; અને તે કદાચ માંડણના મનની મુરાદ બર આવી હોત ખરી ? નોંધારી સંતુને એણે આખરે પોતાના રોટલા ઘડવા ઘરમાં બેસાડી હોત ખરી ?

ગોબરની નજર સામે માંડણનાં બે ચિત્રો આવી ઊભાં. એક ચિત્ર હતુ અપંગ બનેલા ઠૂંઠા માણસનું, અજાણ્યો ય અનુકમ્પા પ્રેરે એવા દયામણા દીદારવાળું. બીજુ ચિત્ર હતું એ જ માણસના પૂર્વજીવનનું : કરડો ને કપટી, ઝેરીલો ને વેરીલો, આંખમાં ભેદી સાપોલિયાં રમાડતો માંડણ. આ બેમાંથી કયો માંડણ સાચો ગણવો ? અલબત્ત, હાદા પટેલે તો ગિરનાર પરની ઘટનાના સમાચાર સાંભળતાં જ માંડણને જીવનદાતા જેવો ગણી લીધો હતો, અને એમાં ય જીવતીના અગ્નિસ્નાન પછી તો, હાદા પટેલે માંડણને પેટના દીકરા જેવો જ ગણવા માંડ્યો હતો. એની ખેડની જવાબદારી પોતે લઈ લીધી હતી. વાડીપડામાં કામકાજ કરવા એક કામચલાઉ સાથી પણ શોધી આપ્યો હતો. આવતી મોસમમાં માંડણના ખેતરમાં