પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાણા ગણી દિયો !
૨૨૭
 

 વાવણાં કરી આપવાનું પણ વચન આપ્યું હતું.

અત્યારે અસૂરું થયું હોવા છતાં ફળિયામાં હાદા પટેલનો ખાટલો ખાલી જોઈને ગોબરને નવાઈ લાગી. હમણાં વારંવાર તેઓ માંડણને ઘેર જઈને દુખિયા જીવને સધિયારો આપવા કલાક કલાક બેસતા. એ ઉપરથી ગોબરે ઊજમને પૂછ્યું કે ‘આતા અત્યારે માંડણને ઘેર ગયા છે કે શું ?’

‘ઇ તો સાંજના કીડિયારું પુરવા ગ્યા ઈ ગ્યા જ છે ! પાછા આવ્યા જ નથી !’

‘તો પછી આટલું બધું અહૂરું ક્યાં થ્યું ? ક્યાં રોકાણા હશે ?’

‘ભગવાન જાણે ! ભૂતેશ્વરમાં ભજન સાંભળવા બેહી ગ્યા હોય તો.’

‘કે પછી માંડણને ઘેર બેહી ગ્યા હશે ?’

સારી વાર સુધી તો આવા તર્કવિતર્ક ચાલી રહ્યા. રોજ સવારે હાદા પટેલ ચબૂતરે પારેવાંને ચણ નાખવા જતા, એમ સાંજે પાદરની ખળાવાડમાં કીડિયારું પૂરવા જવાનો એમનો નિત્યક્રમ હતો.

‘ભૂતેશ્વરમાં કોઈ નવા મૂંડકાં તો હમણાં આવ્યાં નથી, કે કાંઈ કથાવારતા સાંભળવા કોઈ જાય—’ ઊજમે કહ્યું. બાવાસાધુઓ માટે એણે મૂંડકાં શબ્દ યોજેલો. પોતાનો પતિ ભૂતેશ્વરના મંદિરમાંથી જ આવાં મૂંડકાંઓ જોડે સન્યસ્ત લઈને નાસી ગયેલ તેથી એ લોકોની આખી જમાત તરફ ઊજમને નફરત હતી.

‘તો પછી ભગવાનદાની ડેલીએ તો નહિ રોકાણા હોય ?’

ગોબર જ્યારે આમ એક પછી એક કલ્પના કરી રહ્યો હતો ત્યારે હાદા પટેલ તો ભગવાનદાની ડેલીને બદલે દરબારની ડેલીએ જઈ ચડ્યા હતા. અને સમજુબા ઠકરણાંના ઓરડામાં બેઠા હતા. પોતે કીડિયારું પૂરીને પાછા ફરતા હતા ત્યાં જ રસ્તામાં એમને પંચાણભાભાનો ભેટે થઈ ગયો. અસાધારણ ગુપ્તતા જાળવીને ડોસાએ હાદા પટેલને ઠકરણાંના તેડાની વાત કરેલી. કોઈને વહેમ