પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
લીલુડી ધરતી
 

તયેં તો વેર ભૂલવાં જ પડે ને ? જીવતરને નંઈ તો મયણાંનો મોભો સાચવવો જોઈએ ને ?

શાદૂળ વધારે વિહ્‌વળ બન્યો.

બપોર થતાં આકાશમાં ઓચિતાં વાદળાં ચડી આવ્યાં અને બધું ઘનઘોર બનવા લાગ્યું.

રઘાએ આકાશ તરફ નજર નાખીને ટકોર કરી : ‘આ તો ઈગિયારસે ઘેરાણો ! નવા ફેંટા−પાઘડીને ભીંજવી જાય તો નવાઈ નંઈ—’

‘ફેંટા ય ભીંજવી જાય ને ખેતર પણ ભીંજવી જાય.’ એક ખેડૂતે સમજાવ્યું. ‘આભના ને ગાભના કાંઈ ભરહા નંઈ, ભાઈ !’

‘સાચું કીધું. મન મેલીને વરસે તો આજ ને આજ વાવણાં થઈ જાય.’

‘તી ભીમ-ઈગિયારસનાં વાવણાંની કાંઈ નવી નવાઈ છે ?’ એક ખેડૂતે કહ્યું : ‘સાંભરણ્યમાં તો ઘણી ય વાર ઈગિયારસે ઓરણી કરી આવ્યો છું.’

શાદુળને આવી હવામાનની હકીકતમાં રસ નહોતો. એ તો બેધ્યાન બનીને રસ્તા પર જ ટાંપી રહ્યો હતો. કણબીશેરીમાં સોંસરવી પહોંચતી એની નજરમાં ક્યાંય સંતુ કળાતી નહોતી. હારબંધ ઊભેલાં એકઢાળિયાં ખોરડાંઓનાં અજવાળિયાંમાંથી ધુમાડા બહાર નીકળતા હતા. રાંધણિયે રાંધણિયે પરબનાં પકવાનો રંધાતાં હતાં : કોઈ ચૂલે લાપસીનાં આંધણ ચડ્યાં હતાં, કોઈ ચૂલે મગસમો લોટ ઘીમાં શેકાતો હતો. જેનાં ગજાંસંપત ઓછાં હતાં એ નબળે ખોરડે ગળ્યાં થેપલાં બનાવીને પરબ મનાવાનું હતું. આખા કણબીપામાં માત્ર એક જ ખોરડે અજવાળિયું આજે અવાવરું લાગતું હતું. એ અજવાશિયા તળેનાં ચૂલામાં આજે ભીમઅગિયારસને તહેવારે પણ શીતળા સાતમ જેવી સ્થિતિ લાગતી હતી. એ ખોરડું હતું હાદા કુમરનું. આડે દિવસે ઉજમાળી લાગતી એ રૂપાળી ખડકી