પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ વીસમું
છત્તર ઝૂલ્યાં

‘હમણાં સોનાં−રૂપાનો શું ભાવ બોલાય છે, મહાજન !’ રઘાએ નથુ સોનીની હાટડીને ઉંબરે બેસતાં પૂછ્યું.

‘સોનારૂપાં તો સાવ સસ્તાં છે. ઘડાવનારાં મોંઘાં છે.’

‘તમે સોની મહાજન ઘરાકને જ ઢાળિયો કરી નાખો, એમાં તમારે ઉંબરે ચડે કોણ ?’

આવો પ્રાસ્તાવિક સંવાદ કરીને રઘો નથુ સોનીની હાટમાં પલાંઠી વાળીને ગોઠવાયો અને પછી વાતાવરણમાં હળવેક રહીને પોતાનું સૂચન સરકાવી દીધું :

‘ચાંદીનું છત્તર ઘડાવીએ તો શું બેસે ?’

‘ઈ તો જેવું છત્તર... નાનું, મોટું, વચલી રાશનું...’

‘તો ય પણ એનો કાંઈ આશરો ?’

‘ઈ તો જેવી એની કારીગરી... ગોળ નાખીએ એવું ગળ્યું થાય.’ કહીને નથુએ આરિયો ઉઘાડીને એમાંથી એક નાજુક છત્તર બહાર કાઢ્યું.

‘જોઉં !’ જોઉં !’ કરતાં રઘાએ એ છત્તર જોવા હાથ લંબાવ્યો, પણ નથુએ ‘ઊભા રિયો’ કહીને એને રોક્યો અને પોતાના મેલાઘાણ પંચિયા વડે એ છત્તરને ‘પાલિશ’ કર્યા પછી જ એ રઘાના હાથમાં મૂક્યું.

રઘાએ આ રૂપાનું છત્તર આમતેમ ફેરવી જોયું, હાથમાં રમાડી જોયું, કોઈ દેવદેવીને શિરે એ ટિંગાડ્યું હોય તો કેવુંક