પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
લીલુડી ધરતી
 

 થાનક જઈને આ બન્ને પૃચ્છકો માટે જ્યારે દાણા જોયેલા ત્યારે આ એકાકી બ્રાહ્મણને પુત્રસુખ સારું છે, એવું સૂચવતા ચોખ્ખાફૂલ દાણા આવેલા, ત્યારે ઠકરાણાને કલૈયાકુંવર જેવો કંધોતર હયાત હોવા છતાં કોઈક પ્રકારનો વિયોગ સૂચવતા દાણા આવ્યા હતા.

હાદા પટેલ તરફથી પોતાને હકારસૂચક જવાબ મળ્યો કે તુરત રઘાએ શાપરની એક ગુપ્ત સફર કરેલી અને કામેસર મહારાજને મળીને, ‘મારે દીકરો ખોળે બેસાડવો છે’ એમ કહીને સારી તિથિ જોઈ આપવાનું કહી આવેલો. ત્યારે બીજી બાજુ ઠકરાણાને ‘દાણાં ચોખા નથી આવતા’ એવો ઉત્તર મળ્યા પછી એમણે સતીમાને પ્રસન્ન કરવા આ ચોખ્ખી ચાંદીનું છત્તર ઘડવા નાખેલું. વળી શાદૂળભાને કશી રજાકજા ન થાય અને કોરટનો મામલો હેમખેમ પતી જાય તો ભૂતેશ્વરમાં રુદ્રી કરાવવાની તથા બ્રાહ્મણો જમાડવાની માનતા પણ સમજુબાએ માની રાખેલી.

નથુની હાટડીએ એક છત્તર ઘડાયું હતું, ભાવિની કશીક અણજાણી આપત્તિના નિવારણર્થે. આજે બીજું એવું જ છત્તર યોજાઈ રહ્યું હતું, એક સુખપ્રાપ્તિની ખુશાલી અર્થે, એક દૈવી કૃપા બદલ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ અર્થે.

રઘએ સારી વાર સુધી આ તૈયાર છત્તરને ફરીફરીને અવલોકી જોયું. અને આખરે કહ્યું :

‘આપણું ય આવા જ ઘાટનું ઘડી દિયો, નથુભાઈ !’

‘આ તો ઘાટમાં જ મોટું લાગે છે, બાકી માલીપાથી સાવ હળવું−ફૂલ છે’

‘તો આપણે જરાક ભારે ઘડજો.’ રઘાએ ઉમંગભેર કહ્યું, ‘ભલે પાંચ ભાર રૂપું વધારે વપરાય. ને ઘાટ પણ જરાક સારો જોઈને કરજો—’

રઘાની આ અણધારી ઉદારતા નથુ સોનીને આઘાતજનક લાગી.