પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છત્તર ઝૂલ્યાં
૨૩૫
 

 ‘પણ આપણે જોઈએ તરતાતરત હો !’ રઘાએ ઉમેર્યું.

‘બવ ઉતાવળ છે ?’

‘ઉતાવળ વિના અમથો તમારે ઉંબરે ચડ્યો હોઈશ ? શાપ૨માં ઘણા ય સોની ફુંકણી ફૂંકે છે. પણ મારે તો નજર સામે ઝટ ઝટ ઘડાવવું છે—’

‘ભલે, તમારું કામ પહેલું પતાવીશ.’

‘પહેલું પતાવીશ, એમ કહીને પછી દબવી રાખશો ઈ નહિ હાલે. સોનીની સવાર ને મોચીની સાંજ જેવા વાયદા કર્યા કરશો ઈ મને નહિ પોસાય !’

‘પણ કોઈ માતાને છત્તર ચડાવવામાં ક્યાં મૂરત સાચવવાનાં હોય ?’

‘મારે મૂરત સાચવવાનું છે, મૂરત !’ રઘાએ કહ્યું,

‘શું કાંઈ શુભ અવસર !’

‘હા—’

‘શેનો ?’

‘ઈ હંધીય અવસર આવ્યે ખબર પડશે તમને,’ કહીને રઘાએ ઉત્સાહભેર ઈજન પણ આપી દીધું : ‘તમારે ઘર આખાએ સાગમટે જમવા આવવાનું છે. નોતરું અટાણથી આપતો જાઉ છું.’

 ***

આશ્રમવાળાં બાળકોને વળાવીને આવ્યા પછી રઘાના વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં જે અણધાર્યો પલટો આવ્યો હતો એ ગામ આખાની આંખે ચડી ચૂક્યો હતો. બહારગામથી આવીને એણે ગલામાંનો વકરો ગણ્યો નહિ. વધેલાં ચા−દૂધનો હિસાબ માગ્યો નહિ કે છનિયાએ કેટલાં કાવડિયાં નેફે ચડાવ્યાં છે એની તપાસ પણ કરી નહિ. એ તો ઠીક, પણ પછી તો એણે થડા ઉપર બેસવાનું પણ ઓછું કરી નાખ્યું તેથી તો લોકોને બમણું આશ્ચર્ય થયું.

આડે દિવસે તો સવારથી સાંજ સુધી થડાના તખ્ત ઉપર