પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
લીલુડી ધરતી
 


બિરાજમાન રહેનારી રઘાની અતિ પરિચિત કાયાનાં દર્શન ન થતાં કોઈ ઘરાક કુતૂહલથી પૃચ્છા કરતાં ત્યારે છનિયો જવાબ આપતો : ‘શાપર ગયા છે,’ ‘ભૂતેશ્વરમાં પૂજા કરતા હશે,’ ‘નથુ સોનીની હાટ બેઠા હશે...’ આવા ઉત્તરો સાંભળીને લોકો વિચારમાં પડી જતા. શી છે આ બધી દોડધામ ? ભૂદેવ શાની વેતરણમાં પડી ગયા છે ? હૉટેલનો ઉંબરો છોડીને કદીય આઘા ને ખસનાર માણસનો પગ હવે હૉટેલમાં ટકતો જ કેમ નથી ?

જેરામ મિસ્ત્રી જેવા જાણકાર માણસની પણ મતિ મૂંઝાઈ ગઈ. ૨ઘો શી વ્યૂહરચના કરી રહ્યો છે ?

અને એમાં ય હમણાહમણાં નથુ સોનીને ઉબરે રઘાની બેઠકઊઠક વધવા માંડી એ જોઈને તો જાણકારોએ કલ્પનાના ઘોડા છૂટા મૂકવા માંડ્યા.

‘સુખમાં સાંભરે સોની ને દુઃખમાં સાંભરે રામ ! નક્કી ૨ઘો કોઈક શુભ અવસરની તૈયારીમાં પડી ગયો છે.’

‘શુભ અવસર તો બીજું શું હોય ? આ ઘરડે ઘડપણ હવે ઘરઘરણું કરે તો છે !’

‘કોઈ અમથી સુતારણ આવીને એના રોટલા ઘડે શુભ અવસર થાય; બીજું તો શું ?’

રઘાની પીઠ પાછળ લોકો આવા તર્ક કરે છે, ને એની હાજરીમાં પણ કોઈ કોઈ ઘરાકો એને સીધા પ્રશ્નો પૂછે છે, પણ રઘો કોઈને પોતાનું પેટ આપતો નથી. બહુ બહુ તો એ એટલું આશ્વાસન આપે છે :

‘ધીરા ખમો, ધીરા. જે હશે એ વાજતું ગાજતું માંડવે આવશે—’

‘પણ માંડવે આવે તંયે અમને ગળ્યું મોઢું કરાવશો કે નહિ ?’

‘બાપના બોલથી !’ રઘો ગર્વભેર કોલ આપતો. ‘ગામ આખાને જમાડીશ !’