પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છત્તર ઝૂલ્યાં
૨૩૭
 


અને એ તો સાચે જ જાણે કે ઘર આંગણે કોઈ જબરો જગન માંડવાનો હોય એટલી દોડધામ કરતો હતો. એક બપોરે ઓચિંતો એ ગિધાની હાટે જઈ ચડ્યો અને હુકમ કર્યો :

‘દસ મણ ઘી ને વીસ માટલાં ગોળ તૈયાર રાખજે !’

આવી મોટી અણધારી વરદીથી ખુદ ગિધો હેબતાઈ ગયેલો : ‘ચોરાસીબોરાસી જમાડવી છે કે શું ?’

‘એની તારે શી પંચાત ? તું માલ તૈયાર રાખજે ને !’ કહીને રઘો સીધો કુંભારવાડે જઈ ઊભેલો.

છનિયાના બાપ શવા કુંભારને એણે હુકમ કર્યો :

‘નવો નિંભાડો પકવો. જાથુકનાં ઠામડાંની જરૂર પડી છે—’

આવી બધી તૈયારીઓ શા માટે થાય છે, એવું પૂછવાનો કોઈને અધિકાર નહોતો.

છત્તર ઘડાયા પહેલાં એક સાંજકના ૨ઘો થાનકવાળે ખેતરે જઈ ચડ્યો. જોયું તો સતીમાના ફળ ઉપર પેલું રૂપકડું છત્તર ઝૂલે છે !

રઘાને સમજાતાં વાર ન લાગી. આ તો સમજુબાએ નથુ સોની પાસે ઘડાવેલું એ જ છત્તર ! ઠકરાણાં પણ મારી જેમ જ કાંઈક સુખદુઃખની ચિંતામાં પડ્યાં લાગે છે ! ક્યારે તેઓ છાનાંછપનાં અહીં આવીને માતાને છત્તર ઓઢાડી ગયાં હશે એની કલ્પનાઓ કરવા લાગ્યો.

નથુ સોનીની હાટે રઘાની વધતી જતી ઊઠબેસ જોઈને પારકી ચિંતાએ દુબળા બનનારા કાજીઓ સમાં પડોશીએાએ તો કેટલીક શંકાઓ પણ સેવવા માંડી. નથુનું ઘર અને દુકાન બન્ને એક જ ઓસરીએ હતાં. આજુબાજુના ગામડાં ગોઠડાંમાંથી સોનું ઘડાવવા આવનાર ઘરાકો નથુના અતિથિઓ જ ગણાતા; તેઓ બપોરે રોટલો પણ નથુને ઘેરે જ ખાતા. કેટલાક જાણભેદુઓ પાસે અત્યંત ગુપ્ત બાતમી હતી કે નથુની જુવાન દીકરી જડાવને મહિના રહ્યા છે.