પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છત્તર ઝૂલ્યાં
૨૩૯
 


માટે થતી–ઉધરસ મટાડવા માટે બાળકને ગોળ ભારોભાર જોખીને અહીં પગે લગાડવા લાવતાં. પણ હમણાં તો મોટી ઉધરસના વાયરા હતા જ નહિ, તો આ છત્તર કોણ ચડાવી ગયું ? સંતુ વિચારી રહી : કોને ઘેર દીકરાદીકરી આવ્યાં હશે ? અને એ વિચાર કરતાં જ એના હૃદયમાં એક મીઠી રોમાંચક ધ્રુજારી પસાર થઈ ગઈ. દહેરીમાં એકઠાં થયેલાં ઢગલાબંધ છત્તરો ભણી સૂચક નજરે તાકી રહેતાં એણે મનોમન જ માનતા કરી નાખી : મને પહેલું જણ્યું અવતરશે એટલે માને મોટુંબધું છત્તર ચડાવીશ... અને વળી પાછી એ આ છેલ્લા ને નવાનકોર છત્તર તરફ પૃચ્છક નજરે તાકી રહી. આ કોણ ચડાવી ગયું ? કોની માનતા ફળી ? કોણ સુખી થઈ ગયું !

અને સંતુંનું આ કુતૂહલ એક દિવસ અનાયાસે જ સંતોષાઈ ગયું.

ઊજમે ઘરમાં ઓળિપો કરવા માંડ્યો હતો, સંતુ એમાં મદદ કરતી હતી. ઊજમ ઘરની દીવાલો ઉજાળે ને સંતુ એને સામગ્રીઓ પૂરી પાડે એવી કામવહેંચણી યોજાઈ હતી.

એવામાં ધોળી માટી જોડે મેળવવા માટે ઘોડાની લાદનો ખપ પડ્યો. ઘોડાની લાદ તો દરબારની ડેલીએ જ મળી શકે. પણ શાદૂળભાની સાખ જોતાં, તથા સંતુ જોડે એને ઝરી ગયેલી ચકમક જોતાં એ ડેલીએ જવાનું ઊજમને ઊચિત નહોતું લાગતું. પણ સંતુએ હિંમતભેર કહ્યું : ‘એમ શાદૂળિયો મને ક્યાં ખાઈ જાવાનો છે ? એને ખબરે ય નહિ પડે એમ હું ઘોડારમાંથી સૂંડલો ભરીને આવતી રહીશ !’

સંતુએ હઠ પકડી અને આખરે ઊજમે અનિચ્છાએ પણ એને જવાની રજા આપી.

સંતુ હરખાતી હરખાતી ગઢની ડેલીએ પહોંચી, પંચાણભાભાની રજા લઈને ઘોડારમાંથી સૂંડલો ભર્યો અને એ ડોસાની જ મદદથી સૂંડલો માથે ચડાવતી હતી, ત્યાં સામેના રણવાસના ગોખજાળિયામાં