પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
લીલુડી ધરતી
 

 બેઠાં બેઠાં દાંતે બજર ઘસી રહેલાં સમજુબાનો અવાજ સંભળાયો :

‘પંચાણભાઈ, ઈ કોના ઘરનાં ?’

‘ઠુમરનાં—’ પંચાણ ભાભાએ જવાબ આપ્યો.

‘ઘરમાં ઓળિપો કરીએ છ તી લાદનો સૂંડલો ભરવા આવી’તી–’ સંતુએ કહ્યું.

‘ભલે આવી, ભલે.’ ઠકરાણાંએ મીઠામધ જેવા અવાજે કહ્યું. ‘આણી કોર્ય આવ્ય ! મારી પાસે બે ઘડી બેસીને જાજે–’

અને સમજુબાનું એ ઈજન સંતુ ઈનકારી ન શકી.

હાદા ઠુમરની પુત્રવધૂ આજે મારે આંગણે આવી છે, એવી જાણ થતાં ઠકરાણાંએ એને પ્રેમપૂર્વક પોતાની પડખે બેસાડીને સુખદુઃખના સમાચાર પૂછ્યા. અને જોતજોતામાં તો બંને સ્ત્રીહૃદયો વચ્ચેનો આછેરો અંતરપટ દૂર હટી ગયો અને સમજુબાએ સાવ સરળ હૃદયે વાત કરી દીધી કે તારે ખેતરે સતીમાને થાનકે હમણાં મેં રૂપાનું છત્તર ચડાવ્યું છે, અલબત્ત શા માટે, શા કારણે, આ છત્તર ચઢાવ્યું છે, એટલી બધી પૂછગાછ કરવાની સંતુની હિંમત નહોતી. પણ એ નિમિત્તમાંથી તો બંને સ્ત્રીહૃદયો અલકમલકની વાતોએ ચડી ગયાં. સમજુબા પોતાનું ઠકરાંણાં પદ ભૂલી ગયાં અને સંતુ પોતાનો સામાન્ય સામાજિક દરજ્જો વીસરી ગઈ. કેટલો સમય વ્યતીત થઈ ગયો છે એનું કોઈને ભાન ન રહ્યું.

***

માથે સૂંડલો મૂકીને સંતુ ઘેરે આવી તે વખતે આંગણામાં આતુરતાથી પ્રતીક્ષા કરી રહેલી ઊજમે એને અનેક પ્રશ્નો ઉલટાવી સુલટાવી પૂછ્યા : ‘ક્યાં રોકાઈ ગઈ ? કેમ અસૂરું થઈ ગ્યું ? કોની હાર્યે વાતું કરતી’તી ? શેની વાતું કરી...’

સંતુએ આ બધા જ પ્રશ્નોના ઉત્તરો સરળતાથી નિખાલસતાથી આપ્યા. પણ એમાંનો એકેય ઉત્તર ઊજમને પ્રતીતિકર ન લાગ્યો એની ચિત્તસૃષ્ટિ પર શાદુળનો ઓછાયો પથરાયો હતો,