પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
લીલુડી ધરતી
 

 પારકા જણ્યાને ખોળે બેસાડીને પોતાને બનાવવાના આ પગલાંને વાજબી ઠરાવવા માટે રઘાએ ઢગલાબંધ દલીલો વહેતી મૂકી દીધી :

‘હું ગમે તેવો તો ય હવે પાકું પાન. કઈ ઘડીએ ખરી જાઉં. કોને ખબર ? મારી વાંહે મને પિંડ કોણ આપે ? શ્રાદ્ધ સરાવનાર વિના મારી સદ્‌ગતિ કેમ કરીને થાય ? ને હવે મારું ઘડપણ આવ્યું. પેટના જણ્યા વિના મારી ચાકરી કોણ કરે ? નિર્વંશ મરું તો અવગતે જાઉં. વાંહે મારું નામલેણું તો રાખવું જોઈએ ને ?’

આવી આવી દલીલ વડે રઘો ગામલોકોને મનાવતો હતો. ખોળે લેવા માટે પોતે ગોત્રબીજ શોધી કાઢ્યું છે એ હકીકતના સમર્થનમાં પણ એ પુષ્કળ માહિતીઓ અને વિગતો ટાંકતો હતો. દત્તક બનનાર છોકરો પોતાની કેટલી પેઢીએ સગોત્ર સંબધી થાય, બંને વચ્ચે કેટલું નજીકનું સગપણ થાય, એની રસિક અને પ્રતીતિકર વિગતો એ કહી સંભળાવતો.

‘છોકરાનાં માબાપને મારાં ધોળાં પળિયાંની દયા આવી ને પોતાનો પેટનો જણ્યો મને સોંપી દીધો.’

ભૂધર મેરાઈની હાટડીએ બેસીને રઘાએ રાતોરાત પુત્રને માટે નવાં કોરાં કડકડતાં કપડાં સિવડાવ્યાં, અને એક વહેલી સવારે એક લબરમૂછિયા જુવાનને શણગારી–સજાવીને ગામમાં ફરવા લઈ ગયો.

‘આ મારો ગિરજાપરસાદ !’

ઘેરેઘેરે ને દુકાને દુકાને રઘો પોતાના દત્તક પુત્રની ઓળખ આપી રહ્યો.

‘ભલેની માગ્યોતાગ્યો પણ દીકરો તો જડ્યો ! મારું નામલેણું રહેશે ને મને પુ નામના નરકમાંથી ઉગારશે.’

‘બેટા ! કાકાને પગે લાગો. દીકરા ! દાદાજીને નમસ્કાર કરો. ગિરજાપરસાદ ! આ આપણા વડીલ કહેવાય, એને નમન કરો. એકેએક ઓળખીતા સમક્ષ જઈ રઘો પોતાના દત્તકપુત્રનો આ રીતે પરિચય