પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
લીલુડી ધરતી
 

વિના રહી ન જાય એની રઘાએ તકેદારી રાખી હતી. ગિધાની હાટથી ઘી-ગોળ વાપરવામાં રઘાએ કશી કમીના રાખી નહોતી. એના વિરોધીઓ પણ આ ઉત્સવનો રંગ જોઈને આંગળાં કરડી ૨હ્યા.

સાંજે જમણવાર પતી ગયા પછી લોકો ઉત્સવનો રંગ માણી રહ્યાં હતાં, ત્યાં એક અણધાર્યો બનાવ બની ગયો. થોડા મહિના પહેલાં ગામમાં આવેલી એવી જ એજન્સી પોલીસની મોટરગાડીઓ આવી પહોંચી અને સીધી તખુભાની ડેલીએ જઈને ઊભી રહી.

આ વખતે તો એ અમલદારો ગામમાં ઝાઝું રોકાયા પણ નહિ; શાદૂળભાને પરહેજ કરીને તુરત તેઓ પાછા ફર્યા.

આંખના પલકારામાં જ બની ગયેલા આ બનાવે ગામમાં સન્નાટો ફેલાવી દીધો. જેરામ મિસ્ત્રીએ પોતાની જાણકારીનો લાભ આપીને લોકોને કહ્યું કે રાજકોટની અદાલતમાં જીવલો ખવાસ હવે તાજનો સાક્ષી બની ગયો છે. એટલે રૂપા રબારણના ખૂન−કેસનો બધો આરોપ શાદુળ ઉપર ઊતર્યો છે.

દત્તકવિધિના મંગળ વાતાવરણમાં છેક છેલ્લે બની ગયેલ આ અણધારી ઘટનાએ રઘાને ખિન્ન બનાવી દીધો. ઉત્સવનો અરધો રંગ ઓસરી ગયો.

વળતે દિવસે એ ગિરજાપરસાદને લઈને સતીમાતાને થાનકે પગે લગાડવા ગયો ત્યારે મૂર્તિના ફળા ઉપર પોતે ઝુલાવેલું મોટું છત્તર બતાવીને એણે કહ્યું : ‘આ આપણું છત્તર !’

અને એ છત્તરની બાજુમાં જ, શાદુળના ક્ષેમકુશળ અર્થે સમજુબાએ ઝુલાવેલા છત્તર ભણી રઘાનું ધ્યાન જતાં એ વ્યગ્ર બની ગયો. એક છત્તર ભણી અખૂટ આશાભરી નજરે અને બીજા છત્તર તરફ કરુણ વિષાદપૂર્ણ નજરે એ ક્યાંય સુધી તાકી રહ્યો.

*