પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોટલાની ઘડનારી
૨૪૭
 

 આખર, દત્તકવિધિ ને જમણવાર બધું પતી ગયા પછી માંડણ હજી એનો પાટો બાંધેલો ઠુંઠો હાથ ઝોળીમાં ઝુલાવતો ઝુલાવતો બજારમાં નીકળ્યો ત્યારે રઘાએ પૂછ્યું :

‘એલા ક્યાં ગુડાણો’તો ? ગોતી ગોતીને થાકી ગ્યો હું તો !’

‘રાણપર ગ્યો’તો, દુદા ભગતની વાડીએ.’

‘દુદા ભગતની વાડીએ ? કાંઈ ડાબલો દાટ્યો’તો તી લેવા ગયો’તો ?’

‘હાલતો હાલતો ઈ દિશાએ નીકળી ગ્યો. વાડીમાં ભજન હાલતાં’તાં; પરદેશથી કોઈ બવ ગિનાની મા’રાજ આવ્યા છે. કથા વારતા કરે છે. ઈ સાંભળતાં ધરવ જ નો થાય ! હું તો તૈણ દિ’ લગી પડ્યો રિયો !’

રઘો માંડણનો આ ખુલાસો સાંભળી જ રહ્યો. આ જુવાનજોધ માણસ આવડી ઉંમરમાં જ ગંજેરીભંગેરી થઈ જવા માંગે છે કે શું ? ઘરબાર, ખેતરવાડી, બધું ય રેઢું મૂકીને લંગોટિયાઓની જમાતમાં જઈને બેસે એનો અર્થ શો ?

પણ રઘાને કોણ સમજાવે કે માંડણના આ વિચિત્ર લાગતા વર્તન પાછળ એના ચિત્તમાં એક ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો હતો ? આરંભમાં એ સંઘર્ષ હતો : ‘મેં ગાબરનો ઘા આડેથી શું કામે ઝીલ્યો ?’... પછી સંઘર્ષ આવ્યો : ‘મેં વેરસી ઉપર એની જ છરી શા માટે હુલાવી ન દીધી ? મને અપંગ બનાવી મૂકનાર માણસને જીવતો શા માટે જવા દીધો ?’....

એ પછી માંડણના ચિત્તમાં વળી નવો સંઘર્ષ જામેલો : ‘સંતુને મેં શા માટે ઘરમાં ન બેસાડી ?... નાનપણથી જ એની જોડે લગન કેમ ન કર્યાં : ગોબર જોડે એનો વિવાહ જ શા માટે થવા દીધો ? એ બધું થતાં તો થઈ ગયું. પણ પછી હું શાદૂળભાના હાથમાં શા માટે રમી ગયો ? સંતુ ઉપર પહેલો દાવો મારો હતો કે શાદૂળભાનો ? શા માટે હું એ ગરાસિયાનો ભેરુ બન્યો ! શા માટે હુંએ