પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
લીલુડી ધરતી
 

એનો રંજ આંખ વાટે ઊભરાવા ન દીધો. કાઠી છાતીએ એમણે ગોબરને છાનો રાખ્યો ને હૈયાફાટ રોકકળ કરી રહેલ સ્ત્રીઓને પણ આશ્વાસન આપ્યું.

હોટેલ સુધી સંભળાયેલી પ્રાણપોકે આખા ગુંદાસરમાં સમાચાર ફેલાવી દીધા કે હાદા ઠુમરનો પરબત પાછો થયો...

થોડી વારમાં તો ઠુમરની ખડકી આખી નાતીલાઓથી ઊભરાઈ ગઈ.

ગામમાં ઉત્સવની ખુશાલી આપમેળે જ ઓસરી ગઈ. પરબતના કાચા મરણની અદબ જાળવવા રઘા ગોરે ફોનોગ્રાફ વગાડવાની મનાઈ ફરમાવી દીધી. રખેને કોઈ ઘરાક ભૂલથી ય આ ભૂંગળવાજું વગાડી બેસે એવી દહેશતથી ગોરે વાજામાંથી સાઉન્ડ બૉક્સ કાઢી લીધું.

જોતજોતામાં તો આકાશ કાળુંધાબડ થઈ ગયું, બફારો પણ વધવા માંડ્યો. ક્યાંય નહોતાં ત્યાંથી મોટાં મોટાં હાથી જેવડાં વાદળાં ધસી આવ્યાં. સવાર સુધી સુરેખ દેખાતી ગિરનારની ટોચ ધૂંધળી થઈ ગઈ. અંબામાતાના મંદિરનું ધોળું શિખર એક મોટા મસ વાદળામાં ઢંકાઈ ગયું.

ઠુમરની ખડકીમાં એકઠા થયેલા ડાઘુઓની એક નજર ઓસરીમાં પડેલા મૃતદેહ ઉપર હતી, બીજી નજર માથે ઘેરાતાં વાદળાં તરફ વળતી હતી.

પરબતની નનામી વીંટાતી હતી અને હાદા પટેલ વારે વારે ઊંચે જોઈને વિચારતા : આ તો અષાઢ મહિના જેવું ધાબડ થઈ ગયું. આજે જ તૂટી પડશે કે શું ? ભલુ પૂછવું...આ તો આકાશના મામલા નખતર-બખતર ફરી ગયાં હોય તો બારે ય મેઘ ખાંગા થઈ જાતાં વાર ન લાગે...

નનામી બંધાઈ ગઈ.

આકાશ વધારે અંધાર્યું.