પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોટલાની ઘડનારી
૨૪૯
 

 ઓળીપો ચાલતો હતો ત્યારે દરબારની ડેલીએ લાદ લેવા ગયેલી સંતુને પાછા આવતાં જે વિલંબ થયેલો એ બાબત એને ઊજમ જોડે થોડી વડછડ થઈ ગયેલી. ‘સમજુબા હાર્યે સુખદુ:ખની વાતું કરવા રોકાણી’તી. મેં તો ઘણી ય ઉતાવળ કરી પણ ઠકરાણાંએ મને પરાણે બેસાડી રાખી.’ એ મતલબનો સંતુનો ખુલાસો માનવા ઊજમ તૈયાર નહોતી. પરિણામે, દેરાણીજેઠાણી વચ્ચે જિંદગીમાં પહેલી વાર જરા ઉગ્ર બોલાચાલી થઈ ગયેલી. આ દરમિયાન ઊજમે સ્વાભાવિક રીતે જ શાદૂળભાના નામનો ઉલ્લેખ કરેલો અને એ નામોલેખ્ખ સાંભળતાં જ સંતુ એવી તો છેડાઈ પડેલી કે બન્ને વચ્ચે મોટે અવાજે ચડભડ થઈ ગયેલી. નિયમ મુજબ પછવાડેના પડોશમાંથી છાસનો કળશ ભરવા આવી પહોંચેલી ઝમકુએ આ આખી ય વડછડ સાંભળી અને એણે એનો અથેતિ અહેવાલ, વાતવાતમાં નથુ સોનીની વહુ અજવાળી કાકીને કહી સંભળાવેલો.

પછી તો આખી ય ઘટના વિસારે પડેલી. પણ એક દહાડો અજવાળીએ ફળિયામાં પાપડ સૂકવતાં સૂકવતાં, સામે ખાટલો ઢાળીને ગાંજો ફૂંકી રહેલા માંડણને મોઢે આ આખી યે ઘટનાનો અહેવાલ રજૂ કરી દીધો. ઝમકુ મારફત પોતાને કાને આવેલી એ કથનીનો સાર આ હતો: ‘દરબારની ડેલીએ શાદૂળભાએ સારી વાર સુધી સંતુડીને રોકી રાખી !’

બીજી બધી ય રીતે નિઃસ્પૃહ થઈ ગયેલો માંડણ આ અહેવાલ રસપૂર્વક સાંભળી રહ્યો.

‘હાય રે હાય ! એવા ઓળીપામાં મેલીએ નહિ લાલબાઈ ! ઓળીપો કર્યા વિના ઘર શું ભૂંડું લાગતું’તું ? સંતુડી સૂંડલો લઈને દરબારની ડેલીએ ગઈ, ને શાદૂળિયે એને સારી વાર રોકી રાખી ! હાય રે માડી ! એવા ઓળીપા વિના શું ભૂંડાં લાગતાં’તાં ?’

અજવાળી કાકીએ પોતે નજરે જોયેલી નહિ પણ કર્ણોપકર્ણ આવેલી વાતમાં ખુટતી વિગતો ગાંઠની ઉમેરીને એવી તો તાદૃશ્ય