પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
લીલુડી ધરતી
 

કજિયા કરવાના હોશ રહ્યા નહોતા. એ તો મૂંગો મૂંગો ઊભો થયો ને ગિધાની દુકાને જઈને ગાંઠિયાનું બીજુ એક પડીકું બંધાવી આવ્યો, ને વળી અંબાભવાનીના ઊંબરામાં બેઠો બેઠો ચાવવા લાગ્યો.

હવે રઘો આ દૃશ્ય વધુ જિરવી ન શક્યો. બળતે હૃદયે એ બોલ્યો :

’એલા, રોટલા નથી ભાવતા તી દિ’ આખો ગાંઠિયા ફાકશ ?’

રઘો જાણતો હતો કે માંડણને ત્યાં રહેલો નવો સાથી અરજણ રોજ ઊઠીને રોટલા ઘડતો હતો પણ માંડણ એમાથી બટકું પણ ભાંગતો નહોતો.

‘ગિધાના વણેલા ગાંઠિયા જેવો સવાદ રોટલામાં તો ક્યાંથી આવે ?’ વળી હૉટલમાં બેઠેલા નવરા ઘરાકમાંથી એક જણે ટકોર કરી.

‘હા વળી, ગિધાનો હાટકા જેવો ગંધાતો લોટ, ને હડમાનને ચડેલું સડેલું તેલ બીજે ક્યાં જડે ? ને વળી ગિધો ગાંઠિયા વણતો જાય તંયે ભેગાભેગો કપાળેથી નિતરતો પરસેવો ને મોઢામાં સળગતી બીડીમાંથી ખરતી રાખ સોત ગાંઠિયામાં ભેગી વણી નાખે. એનો સવાદ તો દુનિયામાં ક્યાંય થયો છે !’

માંડણને નિમિત્તે આવી હળવી મજાકો ચાલી રહી હતી, ત્યાં કોઈ દિવસ નહિ ને આજે સંતુ બપોરે અસૂરી પાણી ભરવા નીકળી. પાણીશેરડે જતી વેળા તો એ ઉતાવળે ઉતાવળે ચાલતી હોવાથી એની નજર ‘અંબાભવાની’ની દિશામાં નહોતી પડી; પણ પાછા વળતાં એણે ઉંબરામાં જ માંડણિયાને ગાંઠિયા ફાકતો જોયો.

ગિરનાર પર દંગલ મચી ગયા પછી સંતુને મન માંડણ તો ગોબરનો જીવનદાતા જ બની રહેલો; ત્યારથી સંતુ આ જુવાનને એ દૃષ્ટિએ જ નિહાળતી. અત્યારે પણ એણે લોકાચારની સઘળી મર્યાદાઓ લોપીને, માથા પર ખેંચેલી લાજનો ઘૂમટો ઊંચો તાણીને લાગણીવશ અવાજે કહ્યું :