પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
લીલુડી ધરતી
 

ઠકરાણાંએ તો શાદૂળભાની રખ્યા કરવા સતીમાને છત્તર ચડાવ્યું—’

‘તો ય સતીમા પરસન ક્યાં થ્યાં ? શાદૂળિયો જલમટીપમાં ટિપાઈ ગ્યો ને ?’

‘ઈ તો એના પાપે એને જલમટીપ જડી. રૂપલી રબારણ ને ગોળીએ વીંધી નાખી’તી, તી ઉપરવાળો એને મેલે ખરો ? આંહીનાં કર્યાં આંહી જ ભોગવવાનાં છે.’

‘એટલે તો કહું છું ને, કે ખોટાં કામમાં કે ખોટી માનતામાં સતીમા પ૨સન થાય જ નહિ—’

‘રઘાબાપા ઉપર તો મા ત્રુઠમાન થ્યાં જ ને !’ સંતુએ કહ્યું. ‘એણે ઓલ્યું ડાબા હાથ કોર્યનું છત્તર ચડાવ્યું. ઈ લેખે લાગ્યું. ગિરજાને ખોળે લીધા પછી રઘો ડોસો કેવો સુખી થઈ ગ્યો છે ? એમ તો જુસ્બા ઘાંચીની વવે પણ સતીમાની માનતા રાખી’તી— એને જણ્યાં નો’તાં ઊઝરતાં એટલે—’

‘જુસ્બા ઘાંચીની વવે સતીમાની માનતા કરી ? મસલમાન ઊઠીને સતીમાને માને ?’

‘એમાં હિંદુ શું ને મુસલમાન શું ? ઈ તો મન મનની આસ્થાની વાતું છે. ઘણાં ય હિંદુ પીરને મલીદો નથી ચડાવતાં ?– ને તાજિયા નીકળે તંયે નાળિયેર નથી વધેરતાં ? આ જુસ્બાની વવ મરિયમને જણ્યાં થઈથઈને મરી જાતાં’તાં, એકે ય ઊઝરે જ નહિ. પછી એણે ગામમાં સૌનું સાંભળીને સતીમાની માનતા રાખી, ને આ ફેરે છોકરો મજાનો ઊઝરી ગ્યો !’

‘તો તો બચાડા જુસ્બા માથે છત્તર ઘડાવવાનું ખરચ આવી પડ્યું !’ ગોબરે કહ્યું.

‘છત્તર ઘડાવવાનું ખરચ તો વેલુંમોડું તારે માથે ય આવવાનું છે !’ સંતુએ મર્મવાક્ય ઉચ્ચાર્યું.

‘મારે માથે ય ?’ આરંભમાં ગોબર કશું સમજ્યો નહિ. ‘મારે માથે ય છત્તર ઘડાવવાનું ખરચ ?’