‘હા, મેં માનતા માની છે.’
‘શેની ? શેની માનતા ?’
‘આ ગામ આખું માને છે એવી જ. બીજી કઈ વળી ?’ સંતુએ સહેજ લજ્જા અનુભવતાં કહ્યું. ‘આ ગામ આખાનાં માણસ આવીઆવીને આપણી થાનકે છત્તર ઝુલાવી જાય, ને એકલી હું જ ન ઝુલાવું ?’
પત્નીની ઉક્તિનો ધ્વન્યાર્થ સમજાતાં ગોબર મનમાં ને મનમાં હસી રહ્યો : ‘મારે માથે ય તું છત્તર-ઘડામણીનું ખરચ નાખીશ ખરી, એમ ને ?’
‘શું કામે નો નાખું ?’ રોટલાના બટકા પર શાક ચડાવીને મોંઢામાં મૂકતાં સંતુએ કહ્યું.
‘હું એક તો હાથભીડમાં રહું છું; આ હોળીએ ગિરનાર ઉપર ગાડાંમોઢે નાળિયેરની હોળી કરી આવ્યો–એમાં તું આવા ખરચ કરાવશ ?’ ગોબરે મજાકમાં કહ્યું.
‘પણ અબઘડીએ જ તારે માથે ખરચ ક્યાં આવી પડ્યું છે તી ચોફાળ ઓઢવા બેઠો છ ?’ સંતુએ ત્રાંસી આંખે કૃત્રિમ રોષ ઠાલવ્યો.
‘તોય, ખરચ આવવાનું હોય તંયે મને આગોતરું કે’જે ખરી, એટલે હું એની તેવડ્યમાં રહું.–’
‘કહીશ—’
‘બોલ્ય જોઈ, કે’દિ કહીશ ?’ ગોબરે સૂચક પ્રશ્ન પૂછ્યો.
‘ઈ તો જે દિ’ માનતા ફળે તે દિ’ જ કે’વાય ને ?’ સંતુએ સરળતાથી ઉત્તર આપ્યો.
‘માનતા કે’દિ’ ફળશે ?’
‘તને ખબર્ય !’ કહીને સંતુએ ગોબરના સાથળ ઉપર મીઠા રોષથી ચૂંટી ખણી.
પતિપત્ની મૂંગાં થઈ ગયાં. બન્ને જણાં, ભવિષ્યની એક