પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
લીલુડી ધરતી
 

ને થાવાકાળ થઈ ગ્યું—’ કહીને સંતુએ ઉમેર્યું : ‘બચાડી જડી પરમ દિ’ છાશનો કળશો ભરવા આવી તંયે મારી આગળ ખોબો પાણીએ રોઈ—’

‘હવે રોવા બેઠે શું વળે ?’

‘એટલે તો મને અટાણે મનમાં કયું નો વિચાર આવ્યા કરે છે કે આ સતીમા ગામ આખાના દુખિયા જીવનાં દુઃખ ટાળે છે, તો મારી જડીની આ હૈયાહોળી કોઈ રીતે ઠારે કે નહિ ? થાનકની દિશામાં ભાવભરી નજરે તાકી રહીને સંતુએ પૂછ્યું. અને પછી જાણે સતીમા જોડે જ સંવાદ કરતી હોય એ ઢબે બોલી રહી—

‘મા ! તમારી માનતા માનનારાંને સહુને તમે સુખી કરો છો. તમે તો રઘાબાપા જેવા પાખંડી માણસ ઉપરે ય પરસન થિયાં છો, તો મારી જડી જેવી નોધારીને નહિ ઉગારો ?’

પત્નીની ભાવુકતા અને ભોળપણ જોઈને ગોબર મનમાં ને મનમાં હસી રહ્યો.

***

રાતે વાળુપાણીથી પરવારીને ગોબર રોજના રાબેતા મુજબ બજારમાં બીડીબાકસ લેવા નીકળ્યો અને સંતુ ને ઊજમ ઓસરીમાં દૂધનાં દોણાં ઠારતાં બેઠાં હતાં ત્યાં ઝમકુ ચિંતાતુર ચહેરે ખડકીમાં પ્રવેશી અને ફરિયાદ કરી રહી :

‘મૂવો મસાણિયો હજી લગણ ઘીરે ગુડાણો નથી.’

ગિધો વહેલી સવારમાં શિરામણ કરીને શાપર ગયેલો. સાંજ સુધીમાં પાછા ફરવાનું કહી ગયેલો, પણ અંધારું થઈ ગયા છતાં એનાં પગલાં સંભળાયાં નહિ તેથી ઝમકુને ચિંતા થવા લાગેલી.

‘આવી પૂગશે... જરાક અસૂરું થઈ ગયું... મારગમાં જ હશે.’ આવાં આવાં આશ્વાસનો એને મળ્યાં, છતાં મોડી રાત સુધી ગિધાનાં દર્શન ન થયાં તેથી ગોબરે ગામમાંથી પાંચસાત માણસોને જગાડ્યા.

‘મૂવાને ઘરમાં તો સોરવતું જ નથી. કેમ જાણે ઘર એને