પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
લીલુડી ધરતી
 

ફરી મૂંગા થઈ ગયા.

ભવાનદા ગભરાયા. પૂછી રહ્યા : ‘કેમ ? કેમ ?’

‘મને નથી સૂઝતું, ગિધો જીવતો હોય.’ કહીને હાદા પટેલે વિષાદપૂર્ણ ચહેરે મોડું વણવાની ચકરડીને વળ દીધો.

હવે શું કરવું એની ચિંતામાં મુખી પગના અંગૂઠા વડે જમીન ખોતરતા હતા ત્યાં તો ખડકીના ખુલ્લા બારણામાં રઘાની ભીમપલાસી કાયાએ દેખાવ દીધો. એની પાછળ દસબાર જુવાનિયાઓનું ટોળું હતું.

‘કાઢો સીંચણીયાં ને લાવો મીંદડી.’ રઘાએ માગણી કરી.

‘કોઈનો ઘડોબડો વાવ્યમાં પડ્યો કે શું ?’ મુખીએ પૂછ્યું.

‘ઘડાંબેડાં જેવાં ઠોસરાં સારું અમે હેરાન થઈએ એવા નથી.’ કહીને રઘાએ સમજાવ્યું : ‘ઓલો ગિધિયો ચાર ચાર દિ’ થ્યા ગામમાં ગૂડાણો નથી, તી જરાક વે’મ આવે છે.’

‘વે’મ તો અમને ય આવે છે.’ હાદા પટેલે કહ્યું.

‘ઈ લઘરવઘરિયો લુવાણો કાછડિયે સારીપટ રૂપિયા ચડાવીને ફરતો એટલે કોઈએ ઘડોલાડવો કરીને વાવ્યમાં ફેંકી દીધો હોય તો ?’

‘મારા મનમાં ય એવો જ વે’મ રહે છે.’ મુખીએ સમર્થન કર્યું.

‘મને થયું કે આપણી સીમના હંધાય વાવ કૂવા ડહોળી જોઈએ.’ ૨ઘો બોલ્યો. ‘જેટલાં સીંચણિયાં ઘરમાંથી નીકળે એટલાં આપી દિયો ઝટ.’

રઘાની જોડે આવેલા જુવાનો ગામ આખામાંથી ઊઘરાવેલ લોખંડની મીંદડીઓ ને સીંચણિયાંની ગાંઠો વાળી રહ્યા.

સંતુએ ઘરમાં શોધખોળ કરી અવાવરુ તેમ જ ચાલુ વપરાશનાં સીંચણિયાનો ઢગલો કર્યો. ઊજમે કોઢના ખપેડામાં ભરાવી રાખેલી લોખંડની મીંદડી ઉતારી આપી એટલે સઘળો સરંજામ લઈને રઘો બીજી ખડકીએ પહોંચ્યો. ત્યાંથી વધારે સાધનસરંજામ