લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
લીલુડી ધરતી
 


સત્વરે ઊભો થઈ ગયો. પહેરણની ચાળ ઉપર જામેલો જરદો ખંખેરીને ડૂબકી મારવા માટે પંચિયું પહેરી લીધું ને રઘાની મંડળી જોડે ચાલતો થયો.

‘એલાવ, તમે ચાર જણા ઊગમણી સીમે જાવ... તમે તણ્ય દખાણાદી વાડિયુંમાં પૂગો... ઊંડેરી વાવ્યમાં મૂળગર ડૂબકી મારે...’

આવી આવી સુચનાઓ આપીને રઘાએ સીમની ચારે ય દિશાએ માણસો મોકલી દીધા. પોતે, બહુ લાંબું ચાલવાને અશક્ત હોવા છતાં કેટલાંક મહત્ત્વનાં સ્થળોએ જાતે હાજર રહ્યો.

‘એલાવ, ઓલી પિલુવાડીની તરકોસીમાં સારીપટ તપાસ કરી જોજો. સાંકડી નેળ્યને કાંઠે જ વાવ્ય છે, એટલે આડોડિયાવે એને આંતરીને પછે એમાં ઘા કરી દીધો હોય.’

‘ઓલી અવાવરુ ભૂતવાવ્યમાં મૂળગરને રાંઢવું બાંધીને ઉતારો. એની ભેખડ્યુંમાં ગિધાને હાથપગ બાંધીને સંતાડી દીધો નો હોય !’

રઘો આવી રીતે શોધખોળમાં દિગ્દર્શન કરાવતો હતો ત્યાં મુખી પણ એની મદદે આવી પહોંચ્યા. એમના મોઢામાં તો એક જ વાત હતી :

‘સાંજ મોર્ય ગિધાને જીવતો કે મરેલો પણ હાજર કરો, નીકર મારું નાક વઢાઈ જાશે.’

મુખીના આગમન પછી તો બમણા વેગે શોખખોળ ચાલી. સીમમાં એકેએક નાનીમોટી વાવમાં મીંદડીઓ નંખાઈ; મૂળગરે ડૂબકીઓ મારીમારીને પતાળપાણી સુધી ગિધાનાં પગેરાં કાઢી જોયાં.

જોતજોતામાં તો ગામમાં જેટલાં માણસો નવરાં હતાં એ સહુ બહાર આવી પહોંચ્યાં અને આ શોધખોળમાં શામિલ થઈ ગયાં. સીમમાં ખેડૂતો અને એમના સાથીઓએ કામકાજ પડતાં મૂકીને ગિધાની ગોતમાં સાથ આપ્યો.

‘આજનાં દૃશ્યો જોઈને લોકોને બરાબર બાર વર્ષ પહેલાંનો, માણસની શોધખોળનો આવો જ એક પ્રસંગ યાદ આવી ગયો. દેવશી