પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાણી ડહોળાયાં
૨૭૩
 


ગુમ થયો, અને એણે બાવો થઈને વૈરાગ્ય લઈ લીધો છે એ વાતની જાણ થયા પહેલાં હાદા પટેલે એની આવી જ શોધખોળ કરાવી હતી. એમણે તો, માત્ર ગુંદાસરમાં નહિ પણ આજુબાજુનાં ચારપાંચ ગામની સીમના વાવ-કૂવા ડહોળાવી નાખેલા.

એ પ્રસંગની યાદમાંથી કોઈકને ટકોર કરવાનું સૂઝ્યું :

‘ગિધિયો ય દેવશીની ઘોડ્યે બાવો તો નહિ થઈ ગ્યો હોય ને ?’

‘હવે હાંઉ કરો, હાંઉ ! આવી ગધેડાને તાવ આવે એવી વાતું કરો છો !’ મુખીએ કહ્યું. ‘ગિધો તો મને ને તમને સહુને બાવા કરે એવો છે — પારકાંને જતિ કરે ઈ માંયલો !’

‘બાવા તો આપણને રોજ ઊઠીને ઈ કરતો જ ને ? ધૂળ જેવી ચીજના બમણાતમણા ભાવ લઈને ને ખોટે તોલેત્રાજવે ઓછું ઓછું જોખીને ગામ આખાને ભભૂત ચોળાવવા જેવું તો કરતો જ ગ્યો છ ને !’

‘એલાવ, અટાણે ઘરણટાણે એની વંશાવળી કાઢીને કાં બેહો ? સારો-નરસો, ભલો-ભૂંડો, જેવો હતો એવો પણ ગામમાં હાટડી માંડીને તો બેઠો’તો !’ મુખીએ ટીકાકારોને મૂગા કરતાં કહ્યું, ‘ગમે એવો લોભિયો ને લાલચુ હતો, તો ય ઘણાં ય દૂબળાં માણહને પીળે પાન લખીને ખાપણ ઓઢાડ્યાં છે.’

હાલ તુરત તો, ગુંદાસરના લોકોને ગિધાની ખોટ કોઈના ખાપણ વેતરાવવા માટે નહિ પણ નાનાં બાળકો ને ઊંઘાડવા માટેના આવશ્યક અફીણ-અમલની ખરીદી માટે સાલતી હતી. કામઢી માતાઓ કજિયાળાં બાળકોની ખલેલ ટાળવા માટે ગિધાની હાટેથી કાવડિયા કાવડિયાનું અફીણ ખરીદીને બાળકોને એના અમલ વડે ઘોંટાડી દેતી, પણ આજ ચાર-ચાર દિવસથી ગિધાની દુકાને ખંભાતી દેવાઈ ગયું હતું તેથી આ ગૃહિણીઓની મૂંઝવણનો પાર નહોતો. હવે જ સહુને સમજાયું કે પહેલી નજરે, કેવળ ઉદરનિર્વાહાર્થે