પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
લીલુડી ધરતી
 


મંદિરની કાંટ્ય વચાળે મોટી મઘરપાટ છે એમાં કોઈ માણસનું મડરું તરે છે, ને શાપરથી શંકરભાઈ ફોજદાર એનો પંચક્યાસ કરવા ઊપડ્યા છે.’

સમાચાર સાંભળતાં જ મુખીએ ગોબરને તેડાવ્યો ને પોતાની ઘોડી હાજર કરી :

‘જા ઝટ, મારતી ઘોડીએ વાઘેસર પૂગ્ય ઝટ !’

માંડણે કહ્યું : ‘લાશ ફૂલીને ફુગાઈ ગઈ છે.’

‘તો ય ગિધો હશે તો સાવ અજાણ્યો થોડો રે’વાનો હતો ?’ કહીને ગોબર મારતી ઘોડીએ વાઘેસરને પંથે પડ્યો.

અને એવી જ માર માર કરતી ઝડપે એ પાછો પણ આવ્યો ને સમાચાર આપ્યા :

‘લાશ ગિધાની જ છે. મઘરપાટનાં માછલાંએ ડિલે આખે ફોલી ખાધી છે, પણ બાવડે બાંધેલું માદળિયું ઓળખાણું... ગિધાની દાઢીમૂછ ઓળખાણી... શંકરભાઈ ફોજદારે કીધું છ કે ભવાનદાને મોકલ તો લાશનો કબજો સોંપીએ...’

ઘરડે ઘડપણ પણ ભવાનદાએ કહ્યું : ‘ગોબર ! મને ટેકો દે... ઘોડીએ ચડાવ્ય !’

***

છેક રોંઢા ટાણે મુખી ગિધાની લાશને ગાડે ઘાલીને ગામમાં લાવ્યા ત્યારે ઝમકુ ઉપરાંત ઘણાં ય માણસો એ દૃશ્ય જોઈને રડી પડ્યાં. સહુને એક જ કુતૂહલ હતું : ‘ગિધાને કોણે માર્યો ?’

કાસમ પસાયતાએ ને શંકરભાઈ ફોજદારે મળીને આ રહસ્ય ઉકેલવા પ્રયત્ન કર્યો, થોડા દિવસ પહેલાં ગિધાએ વાઘેસરની બાજુના એક ખેડૂત ઉપર જપ્તીનું હુકમનામું બજાવેલું અને બેલીફને લઈને એ હુકમનામાની બજવણી કરવા ગયેલો. એટલી માહિતી ઉપરથી પેલા ખેડૂતને પરહેજ કરવામાં આવ્યો, પણ એ તો લાંબી તપાસને અંતે સાવ નિર્દોષ સાબિત થયો.