પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ ચોવીસમું

ઊજડી ગયેલું આકાશ

ગિધાની ચેહ હજી તો ટાઢી ય નહોતી થઈ ત્યાં તો જીવા ખવાસે એક પ્રવૃત્તિ આદરી દીધી : કોઈક ભેદી રીતે એ કોઈક સ્થળેથી અફીણ અને ગાંજો લઈ આવ્યો અને ચાર-ચાર દિવસથી ગિધાની દુકાનના ઉંબરા આગળ આળોટી રહેલા ગારાડીઓને એણે બમણે તમણે ભાવે અફીણ–ગાંજો વેચવા માંડ્યો.

પોતે આચરેલા ખૂટામણને કારણે તખુભા બાપુની ડેલીએથી પાણીચું મળ્યા પછી જીવો આમે ય કોઈક નવા કામધંધાની શોધમાં હતો જ; એમાં ગિધાએ અકાળે અવસાન પામીને એને માટે એક સોનેરી તક ઊભી કરી દીધી.

જીવાએ જરા પણ વિલંબ વિના આ સોનેરી તક ઝડપી લીધી. જેમાં બાળકો સાચોસાચ સોનાને ઘૂઘરે રમી શકે એવો આ કસવાળો ધંધો એણે હાથ કરી લીધો. હજી તો ઝમકુનાં દૂરદૂર વસતાં પિયરિયાંમાંથી એનો ભાઈ દામજી અહીં આવે, ત્યારે ગિધાની બંધ હાટડી પર ટીંગાતું ખંભાતી તાળું ઊઘડે, એ પહેલાં તો જીવાએ એ હાટડીની પડખોપડખ જ એક કણબીનું સાવ અવાવરું રહેતું એકઢાળિયું મહિને સવા રૂપિયાનું નરદમ ભાડું ઠરાવીને ભાડે રાખી લીધું. રાતોરાત એ જુસ્બા ઘાંચીને ત્યાંથી ખોળ જોખવાનાં કાંટા-છાબડાં માગી લાવ્યો. શાપરમાં રેતી ઠાલવીને પાછા વળનાર ટીહા વાગડિયાના ખાલી ગાડામાં કરિયાણા માલના દશબાર બાચકા નાખતો આવ્યો, ને જોતજોતામાં તો એણે ગિધાની જેમ ગોળી–પાંચીકાથી માંડીને ગોળના માટલા