સુધીનો માલ વેચવા માંડ્યો...
જીવાની આ નૂતન પ્રવૃત્તિ અંગે ઘણાય ઘરાકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા.
‘એલા, બાપુનો હોકો ભરવો મેલીને આ હાટડી માંડવાનું ક્યાંથી સૂઝ્યું ?’
‘શું કરું, ભાઈશાબ ? બાપુએ તો ડેલીએથી તગડી મેલ્યો એટલે હવે જેમ તેમ કરીને રોટલા તો કાઢવા ને ?’
પોતે તાજનો સાક્ષી બનીને છૂટી આવ્યો ને શાદૂળભાને જનમટીપ ટિચાઈ ગઈ પછી ફરી વાર ગઢની ડેલીને ઊંબરે ચડતાં ખુદ જીવાનો જ પગ ભારે થઈ ગયો હતો. પોતે આચરેલા ખુટામણ બદલ એ ભારોભાર ભોંઠપ અનુભવી રહ્યો હતો, તેથી સમજુબા ને મોઢું બતાવવાની પણ એનામાં હિંમત નહોતી. એને ખાતરી હતી – અને ગામલોકોએ પણ આગાહી કરી હતી – કે જીવલાની ને એના બાપ પંચાણભાભાની હવે ઓખાત ખાટી થઈ જશે. ઠકરાણાં આ બાપ-દીકરાને ડેલીએથી તો કાઢી જ મૂકશે, પણ ભલા હશે તો તો ગામમાંથી ય ઉચાળા ભરાવશે... પણ આવી આવી આગાહીઓમાંથી એકે ય સાચી ન પડી. અલબત્ત, જીવો તો પોતાનો જ ‘પગ ભારે થઈ ગયો’ હોવાથી ગઢની ડેલીએ ફરી ડોકાયો જ નહિ, પણ પંચાણભાભાને પાણીચું મળવાની ધારણા સાવ ખોટી પડી.
‘ના, રે બૈ ! આ ડોહાને હવે જાતી જંદગીએ મારે જાકારો નથી દેવો.’ ઠકરાંણાંએ કહ્યું. ‘જીવલે ખુટામણ કર્યું એમાં એના બાપનો શું વાંક ? ના રે માડી ! પંચાણભાભાને હવે જાતે જનમારે જાકારો દઉં તો પાપ લાગે. હવે એને જીવવું કેટલું ને વાત કેટલી ? હવે તો ઈ એકાદો ફેંટો ફાડે તો ય નસીબદાર ! જંદગી આખી એણે દરબારનો હોકો ભર્યો. હવે કોઈ નવાસવા માણસને હાથે હોકો ભરાવું તો દરબારને ઈ ભાવે જ નહિ ને ! હોકો ભરવામાં તો હથરોટી જોઈં. ઈ સમોસરખો ભરાણો હોય તો જ એનો સવાદ