પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઊજડી ગયેલું આકાશ
૨૮૧
 


સરસામાન પાણીને મૂલે ખરીદી લીધો એટલું જ નહિ પણ ખાલી થયેલી દુકાન પણ ભાડે લઈ લીધી. કોઈએ પૂછ્યું :

‘જીવાભાઈ ! આ બબ્બે દુકાનું રાખીને શું કરશો ?’

પણ જીવો આવા પ્રશ્નોના કશા સ્પષ્ટ ઉત્તર આપતો નહિ. એ તો પોતાની મુખ્ય દુકાન મોડી રાતે વધાવી લીધા પછી જેરામ મિસ્ત્રી જોડે કશીક ગુપ્ત યોજનાઓ કર્યા કરતો.

થોડા દિવસમાં જ એણે ગિધાવાળી દુકાનમાં સારું ખરચ કરીને રંગરોગાન કરાવ્યાં. એ પછી થોડા દિવસમાં એક સાંજે ટીલા વાગડિયાનું ગાડું આવીને એ નવી દુકાનના આંગણામાં ઊભું. એમાંથી તાજા જ વારનિશની ગંધ મારતું નવું નકોર ફર્નિચર લઈને જેરામ ઊતર્યો. ચકચકીત પોલીશવાળા બાંકડા, ટેબલ, ખુરશીઓ, દેવદેવીઓની મઢાવેલી છબીઓ વગેરે સરંજામ નવી દુકાનમાં ગોઠવાઈ ગયો. રાતોરાત જેરામ પોતાને ઘેરથી ઓજારા લાવ્યો અને આ ફર્નિચર જોડે જ શહેરમાંથી ચીતરાઈને આવેલું એક મોટુંમસ પાટિયું દુકાનના પ્રવેશદ્વાર પર ટાંગી દીધું...

સવારમાં અહીંથી પસાર થનાર અને અક્ષરજ્ઞાન ધરાવનાર લોકોએ આ પાટિયામાંથી અક્ષરો ઉકેલ્યા :

‘રામભરોસે હિંદુ હૉટલ.’

આ નવી હૉટેલે ચાના ભાવમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો !

‘અંબાભવાની’માં ‘બે પૈસે કોપ’નો ભાવ હતો, એમાં જીવાએ ‘કાવડિયે કોપ’ જાહેર કરીને પચાસ ટકાનો ધરખમ ઘટાડો કર્યો હોવાથી એનો વેપાર ધમધોકાર હાલવા લાગ્યો. રહેતે રહેતે જ લોકોને ખબર પડી કે રામભરોસે શરૂ કરવાનો વિચાર જેરામ મિસ્ત્રીના ફળદ્રુપ ભેજાની પેદાશ હતી, અને આ હૉટેલમાં એણે જીવા ખવાસ જોડે આઠ આની ભાગીદારી રાખી હતી. આ નૂતન સાહસ પાછળનો જેરામનો ઉદ્દેશ જતે દહાડે રઘાની ‘અંબાભવાની’નું ઊઠમણું કરાવવાનો હતો.