પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
લીલુડી ધરતી
 


ગણિતકામમાં પ્રવીણ એવા મિસ્ત્રીનું આ પગલું પણ ગણતરીયુક્ત હતું. હમણાં હમણાં રઘાને પગે સંધિવાની અસર જણાતાં એ ઝાઝી હરફર કરી શકતો નહિ ને ગિરજાપ્રસાદને દુકાનને થડે બેસાડીને પોતે તો મેડા ઉપર ખાટલે પડ્યો રહેતો. ગિરજાપ્રસાદ અને છનિયા જેવા છોકરાઓના હાથમાં અંબાભવાનીનો વહીવટ આવ્યા પછી હડફામાં વકરો ઓછો દેખાવા માંડ્યો હતો, છતાં ૨ઘો હજી ઘરાકી ઘટી હોવાનું માનવાને બદલે ‘છનિયો નેફે ચડાવે છે’ એવો આક્ષેપ કરીને આત્મસંતોષ અનુભવતો હતો.

આવી સ્થિતિમાં રામભરોસેવાળાઓ અંબાભવાનીનું ઊઠમણું કરાવવા પ્રવૃત્ત થયા. એમણે ચાનો ભાવઘટાડો કરીને જ ન અટકતાં બીજાં પણ ઘણાં આકર્ષણો ઉમેર્યા. રઘાને ત્યાં બેસતા-ઊઠતાં કપડાં ફાડે એવું ખપાટિયું ફર્નિચર હતું, ત્યારે રામભરોસેમાં ‘માલીપા મોઢું કળાય’ એવું અરીસા જેવું ફર્નિચર આવ્યું હતું. અંબાભવાનીની દીવાલો પર જિનતાનનાં જૂનાં કેલેન્ડર સિવાય બીજુ કશું સુશોભન નહોતું, ત્યારે રામભરોસેમાં ભિન્ન ભિન્ન રુચિવાળા ઘરાકોની વૃત્તિઓનું સમાપન કરી શકે એવી ‘વસ્ત્રહરણ’થી માંડીને જાપાની સુંદરીઓ સુધીનું સુશોભન કરવામાં આવ્યું હતું. અને આટલું જાણે કે ઓછું હોય એમ જેરામ મિસ્ત્રીએ એક ‘સ્ટન્ટ’ કર્યો. અંબાભવાનીનું મુખ્ય આકર્ષણ એનું ગ્રામોફોન હતું. પણ એની ‘સંતુ’ કે ‘ભારી બેડાં’ કે ‘ચંદનહાર’ની હવે ઘસાઈ ગયેલી રેકર્ડના ઘોઘરા અવાજમાં લોકોનો રસ ઓસરતો જતો હતો, અને રઘો નવી રેકર્ડનો ઉમેરો કરતો નહોતો, એ જોઈને જેરામ છેક રાજકોટ જઈને સૂકી બેટરીવાળો રેડિયો લઈ આવ્યો.

લોકોનાં કુતૂહલનો પાર ન રહ્યો. અંતરીક્ષમાંની કોઈક ગેબી વાણી સાંભળતાં હોય એવા આશ્ચર્યથી ગ્રાહકો કલાકો સુધી આ નવતર કરામત નિહાળતાં રામભરોસેમાં બેસવા લાગ્યાં, ને થોડા જ દિવસમાં અંબાભવાનીમાં કાગડા ઊડવા લાગ્યા.