લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
લીલુડી ધરતી
 

કરીને એ જંપી ગયો.

રખે ને કાંઈ અજૂગતું બની જાય એવા ભયથી ગોબરે માંડણની બાજુમાં જ ખાટલો ઢાળ્યો અને આખી રાત એ ત્યાં જ સૂતો રહ્યો.

સવારમાં માંડણે એની ઘેનભરી આંખની ભારેસલ્લ પાંપણો ઉઘાડી અને સામે ગોબરને જોયો કે તુરત એને રાત દરમિયાન ભજવાઈ ગયેલું આખું નાટક યાદ આવી ગયું અને એ નાના બાળકની જેમ રડી પડ્યો−મોકળે મને રડી પડ્યો.

ગોબરે એને સમાચાર આપ્યા :

‘અરજણિયો હાલ્યો ગ્યો છે. તારો ઢોરમાર ખાઈને ધરાઈ રિયો તી આટલા મહિનાનું મહેનતાણું લેવા ય રોકાણો નંઈ. ઈ તો એને ગામ પૂગી ગ્યો.’

પોતે ઠુંઠો માણસ હવે એકલે હાથે શી રીતે ખેતી કરશે એની ચિંતા થતાં માંડણે ફરી રડવા માંડ્યું.

‘હવે રોવા બેઠે શું વળે ? આ અરજણિયાનું સાંભળી બીજો કોઈ સાથી ય તારે ખેતરે કામ નહિ કરે.’

‘તો વાવણી કેમ કરીને થાશે ?’

‘ઈ તે હવે મારે જ કરવી પડશે.’ ગોબરે સધિયારો આપ્યો. ‘એકને સાટે હવે બે ખેતરનું કામ કરીશ.’

પણ સદ્‌ભાગ્યે કહો કે દુર્ભાગ્યે, માંડણના ખેતરમાં તો શું , ગામના એકે ય ખેતરમાં વાવણી કરવા જેવો વખત જ ન આવી શક્યો.

***

ગઈ સાલ ભીમઅગિયારસને દિવસે પરબતનું શબ ઢાંકી રાખીને હાદા પટેલ વાવણી કરી આવ્યા હતા. પણ આ વર્ષની ભીમ અગિયારસ સાવ કોરીધાકોર ગઈ. આકાશમાં ક્યાંય નાનું-સરખું વાદળું પણું દેખાયું નહિ.