પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઊજળી ગયેલું આકાશ
૨૮૯
 

 સાલ ઓઝતની સાચી ગણાતી સરવાણીઓ જ ખોટી પડી ગઈ હોય એવું લાગ્યું.

‘તો હવે તળ ઊંડેરું ઉતારો.’ હાદા પટેલે આદેશ આપ્યો. ‘વાવ્યમાં સાંગડી નાખીને બે હાથ ઊંડેરુ ખોદી નાખો તો નવી સરવણી નીકળશે.’

‘પણ પાકા પથરનું તળ તોડવું શી રીતે ? સાંગડીનું પાનું ભાંગી જાય એવા મજબૂત કાળમીંઢને કાપવા શી રીતે ?’

‘દાર ધરબીને ટેટા ફોડો !’ હાદા પટેલે સૂચન કર્યું.

ગોબર ને માંડણને બન્નેને આ સૂચન ગમી ગયું. આમેય હવે શ્રાવણ મહિનો બેસી ગયો છતાં ઉજ્જડ આકાશમાં સમ ખાવાનું ય વાદળ દેખાતું નહોતું તેથી વરસાદની આશા તો માંડી જ વાળી હતી. તેથી બન્ને ભાઈઓએ કોસ જોડવા માટે કૂવાનું તળ ફોડવાનો નિર્ધાર કર્યો.

એક વહેલી સવારે, ઉજ્જડ આકાશ તરફ નિરાશાભરી નજર નાખીને માંડણ અને ગોબર નેફે રૂપિયા ચડાવીને શહેરમાંથી પોટાશ ખરીદવા નીકળ્યા.

*