પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
લીલુડી ધરતી
 


પટેલનું અંતર દ્રવી ઊઠ્યું હતું. તેથી જ તો બન્ને ભાઈઓ શહેરમાંથી પોટાશ ખરીદીને આવ્યા ત્યારે એ પહેલવહેલો કોની વાડીના કૂવામાં ધરબવો એ પ્રશ્ન ઊભો થયો ત્યારે હાદા પટેલે સત્વરે સૂચવેલું : ‘પ્રથમ માંડણની વાવ્ય ખોદો.’

હાદા પટેલને મન્ આ અપંગ યુવાન સગા પુત્રથી ય સવાયો હતો. વિધિએ એને ઘોર અન્યાય કર્યો હતો, અને એમાં ગોબર આડકતરું નિમિત્ત બન્યો હતો, તેથી એની અગવડો ઓછી કરવા માટે હાદા પટેલ સતત પ્રયત્નશીલ રહેતા હતા. એ ઠૂંઠા માણસની ખેડ સંભાળવા માટે એમણે સાથી શોધી આપ્યો, પણ માંડણે દારૂના નશામાં અરજણને અસહ્ય માર માર્યો ત્યારે હાદા પટેલને પારાવાર દુ:ખ થયેલું. માંડણને દારૂની લતમાંથી છોડાવવા એમણે મહાપ્રયત્ન કરેલા. ગોબરને આ સંતપ્ત પિતરાઈ ઉપર આડકતરી ચોકી રાખવાનું અને સન્માર્ગે વાળવાનું સૂચવેલું.

મુખીને કાને માંડણની નશાબાજીની વાત પહોંચેલી ત્યારે ગામના મોવડી તરીકે એમણે આ બેવકૂફ યુવાનને સખત ઠપકો આપેલો. અને સાથોસાથ એ ઘરભંગ માણસને ફરી ઘરવાળો બનાવવાનું પણ હાદા પટેલને સૂચવેલું.

હાદા પટેલે ગામની તેમ જ પરગામની બેત્રણ યુવતીઓ માટે માંડણના નાતરાનું કહેણ નાખી જોયેલું, પણ એ સહુએ ‘ઈ ઠુંઠાનું ઘર તી કોણ માંડે ?’ એવો તોછડો ઉત્તર વાળેલો, તેથી તેઓ નિરાશ થઈને બેસી ગયેલા.

આખરે મુખીએ દૂર દૂરના ગામ ઉપર નજર દોડાવી. ત્યાં એક બચરવાળ બાઈ તાજેતરમાં જ વિધવા થઈ હતી. ભગવાનદાએ એને માંડણ જોડે ઘરઘરણું કરવાનું કહેણ મોકલાવ્યું. દુખિયારી બાઈ તો રાજી રાજી થઈ ગઈ : ‘મારાં ઘેરોએક છોકરાંને સાચવનારો જડ્યો’ એમ વિચારીને પ્રભુનો જ પાડ માનતી રહી, પણ ત્યાં તો માંડણે જ સામેથી નન્નો ભણ્યો : ‘મારે હવે નથી ઘરઘવું.’