પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાતાળનાં પાણી
૨૯૩
 

 મુખીએ ઉગ્ર અવાજે પૂછેલું : ‘કેમ એલા, ભૂતેસરમાં બેહીને ભભૂત ચોળવી છે ? શું વિચાર છે તારો ?’ ત્યારે માંડણે અર્થસૂચક ઉત્તર આપેલો : ‘ઠામ ગ્યા પછે હવે ઠીકરું ઘરમાં ક્યાં ઘાલવું ?’

માંડણની આ ઉક્તિ સાંભળીને ભવાનદા સમજ્યા કે એ એની મૃત પત્ની જીવતીનો ઉલ્લેખ કરી રહ્યો છે. તેથી તેઓ મનમાં ને મનમાં કહી રહ્યા : ‘મૂરખ ! બાયડી જીવતી’તી તે દિ’ તો એને ભૂંડે હાલે રાખી’તી ને હવે એને રોવા બેઠો છ ?’ પણ એમને કોણ સમજાવે કે માંડણ તો ‘ઠામ ગયું’ કહીને ‘સંતુ ગઈ’ એમ સૂચવી રહ્યો છે ?

આ બનાવ પછી હાદા પટેલે માંડણને થાળે પાડવાના પ્રયત્નો છોડી દીધેલા, પણ ગોબરને સૂચના આપી રાખેલી :

‘આજથી માંડણને માનો જણ્યો ભાઈ જ સમજજે. તને ભગવાન એક રોટલો આપે તો બે ય ભાઈયું અરધોઅરધ કરીને ખાજો. કાલ્ય સવારે મારી હયાતી હોય ન હોય, તો આટલું ધ્યાન રાખજે : ઈ પહુ જેવા અપંગ માણસને હવે તારે જ પાળવાનો છે ને તારે જ બાળવાનો છે.’

પિતાએ ગણાવેલા આ ‘માના જણ્યા ભાઈ’ની વાડીના કૂવામાં ગોબર જે તનતોડ મહેનત કરીને ખોદકામ કરી રહ્યો હતો એ જોઈને ગામલોકો કહેતાં હતાં :

‘આનું નામ ભાઈયું ! ગમે એટલાં વેરઝેર હોય પણ વપત્ય ટાણે હંધું ય ભુલાઈ જાય.’

‘સગાં-કટંબીનો અરથ જ ઈ. સુખને ટાણે પર સૌ આગાંપાછાં થઈ જાય, પણ દખને ટાણે આવીને પડખે ઊભાં રિયે એનું જ નામ સગાં.’

ગોબર-માંડણના સંબંધો આડે અંતરાય નાખનારા શાદૂળને ને રઘા ગોરને પણ કોઈએ યાદ કર્યા અને પછી એ વિષે વિવેચન કર્યું :