હોવાથી આજ સુધી હાદા પટેલે એને જપજાપ વગેરે શીખવેલા. હવે એ બધી જ ફરજ ગોબર ઉપર આવનાર હોવાથી અત્યારે એને જોડે રાખીને તેઓ સતીમાનું સ્તોત્ર ભણી રહ્યા. પોતાને તો હવે આંખે ઝામર આવતી હોવાથી દસવીસ ડગલાંથી દૂર કશું દેખાતું પણ નહોતું, તેથી જ તો સ્તુતિ પૂરી થયા પછી એમણે ગોબરને કહ્યું :
‘ગગા ગોબર ! હવે માની સેવા તારે માથે છે હો !’
મોટાભાઈના મૃત્યુથી બેબાકળો બની ગયેલો ગોબર હા ભણવા પૂરતા પણ હોઠ ઉઘાડી શક્યો નહિ. આંખો નીચી ઢાળીને જ એણે હોંકારો આપ્યો. બીડેલી કિતાબ જેવા અગમ્ય ભાવિની કલ્પનાએ આ જુવાનના હૃદયમાં રોમાંચ અને ભયની મિશ્ર લાગણીઓ જગાવી.
એક મોટો રેડો વરસી ગયા પછી વરસાદ જરા ધીમો પડ્યો એટલે હાદા પટેલે કહ્યું :
‘હાલો દીકરા ! મે’ ધીમો પડ્યો છે ત્યાં લગીમાં ઝટઝટ વાવણી કરી નાખીએ... અબઘડીએ ઓલ્યું મોટું વાદળું આપણાં સીમઢાળું આવી પૂગશે.’ અને પછી એ કાળા ભમ્મર વાદળા તરફ તાકીને ઉમેર્યું : એમાં સારીપટ પાણી ભર્યું છે. એને અબાર્ય જાવા ને દેવાય.’
મોહનથાળ જમાવેલા મોટા ખૂમચામાં સમાંતર સમચોરસ ચોસલાં પાડ્યાં હોય એવા સરસ ચાસ ખેતરમાં પડ્યા હતા. રામ લખમણ જેવી ખાંડિયા ને બાંડિયા બળદની જોડની કાંધે ઓરણી નાખી હતી. ખાંડિયો બળદ વીજળીના શિરોટા જેવો ધોળો ધેાળો ફૂલ લાગતો હતો; બાંડિયો ટૂંકાં શીગડાં ને બાંડા કાનવાળો, અષાઢી વાદળી જેવો કાળો હતો. આ બન્ને ધોરીઓ માંસલ કાંધને આમથી તેમ ઝુલાવતા આગળ ચાલતા હતા. પાછળ હાદા પટેલ ડચકારો કરતા હતા ને ગોબર ઓરણી કરતો જતો હતો. આમ, આ ચારે ય ધરતીપુત્રો કણમાંથી કળશી નિપજાવવાનો પુરુષાર્થ કરી રહ્યા